17 July, 2025 12:08 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આવકવેરા વિભાગે દેશભરમાં ખોટી કરકપાત અને છૂટ દ્વારા ટૅક્સ-રીફન્ડ મેળવનારી વ્યક્તિઓ સામે મોટી કાર્યવાહી શરૂ કર્યા બાદ છેલ્લા ૪ મહિનામાં લગભગ ૪૦,૦૦૦ કરદાતાઓએ પોતાના ૧૦૪૫ કરોડ રૂપિયાના ખોટા દાવા પાછા ખેંચી લીધા છે.
નકલી રિટર્નનો પર્દાફાશ કેવી રીતે થયો?
આવકવેરા વિભાગને થર્ડ-પાર્ટી ડેટા, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત સિસ્ટમ્સ અને ગ્રાઉન્ડ ઇન્ટેલિજન્સ દ્વારા ઇનપુટ મળ્યાં હતાં કે મોટી સંખ્યામાં કરદાતાઓએ ખોટી કપાત અને છૂટનો દાવો કરીને નકલી રીફન્ડ મેળવ્યું છે. આ પછી વિભાગે મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી, ગુજરાત, પંજાબ અને મધ્ય પ્રદેશ સહિત ઘણાં રાજ્યોમાં ૧૫૦થી વધુ સ્થળોએ સર્ચ-ઑપરેશન કર્યું હતું.
કઈ છૂટ નકલી હતી?
આ ઇન્કમ ટૅક્સ રિટર્ન (ITR)માં કરદાતાઓએ ઘણી કપાત અને છૂટનો દાવો કર્યો હતો જે ખરેખર અસ્તિત્વમાં નહોતી...
ખોટા HRA (હાઉસ રેન્ટ અલાઉન્સ) દાવા
શૈક્ષણિક લોનના વ્યાજ વિશે ખોટી માહિતી
આરોગ્ય વીમા પ્રીમિયમ પર નકલી કપાત
હોમ લોનના વ્યાજ પર ખોટો દાવો
કેટલાક કિસ્સાઓમાં રાજકીય પક્ષોને દાન બતાવીને કપાતના દાવા
આમાં કોણ-કોણ સામેલ હતા?
આવકવેરા વિભાગના જણાવ્યા મુજબ ખોટા દાવા કરનારાઓમાં ફક્ત સામાન્ય કરદાતાઓ જ નહીં; સરકારી વિભાગો, જાહેર ક્ષેત્રના ઉપક્રમો, બહુરાષ્ટ્રીય કંપનીઓ અને શૈક્ષણિક સંસ્થાઓના કર્મચારીઓ અને ઘણા નાના વેપારીઓ પણ સામેલ છે. આ લોકો ઘણી વાર મહત્તમ રીફન્ડ મેળવવા માટે ITR ફાઇલિંગ એજન્ટોના પ્રભાવ હેઠળ ખોટી કપાત બતાવે છે.
આગળ શું થઈ શકે છે?
વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ‘આ તો ફક્ત શરૂઆત છે. જો કોઈ કરદાતા હજી પણ ખોટી માહિતી આપે છે અને એમાં સુધારો કરતો નથી તો તેને દંડ થઈ શકે છે અથવા તેની સામે ફોજદારી કાર્યવાહી પણ થઈ શકે છે. વિભાગ સતત ઈ-મેઇલ અને SMS દ્વારા કરદાતાઓને ચેતવણીઓ મોકલી રહ્યો છે.
રીફન્ડની લાલચ મોંઘી સાબિત થઈ શકે
ફક્ત ફૉર્મ 16 અથવા અધિકૃત દસ્તાવેજોના આધારે કપાતનો દાવો કરો.
જો કોઈ ITR એજન્ટ તમને વધુ રીફન્ડની લાલચ આપીને ખોટી માહિતી ભરવાની સલાહ આપે છે તો તરત જ સાવચેત રહો.
જો તમે ભૂલથી ખોટો દાવો કર્યો હોય તો હજી પણ સમય છે, સુધારેલું રિટર્ન ફાઇલ કરો.
કરપ્રણાલી હવે ડિજિટલ અને ડેટા-આધારિત બની ગઈ છે એટલે બચવાનો કોઈ રસ્તો નથી.