ઇમ્ફાલ ઍરપોર્ટ પર યુએફઓ જોવા મળતાં હાઈ અલર્ટ

20 November, 2023 10:55 AM IST  |  Imphal | Gujarati Mid-day Correspondent

ત્રણ ફ્લાઇટ્સ ત્રણ કલાક કરતાં વધારે સમય સુધી રનવે પર જ ફસાઈ રહી, બે ફ્લાઇટ્સને કલકત્તામાં ડાઇવર્ટ કરવામાં આવી

ઇમ્ફાલ ઍરપોર્ટ

ઇમ્ફાલ ઍરપોર્ટ પર ગઈ કાલે અનઆઇડેન્ટિફાઇડ ફ્લાઇંગ ઑબ્જેક્ટ (યુએફઓ) જોવા મળ્યા બાદ ચિંતા વ્યાપી ગઈ હતી, જેના લીધે આ ઍરપોર્ટ પર ત્રણ ફ્લાઇટ્સ ત્રણ કલાક કરતાં વધારે સમય સુધી રનવે પર જ ફસાઈ રહી હતી; જ્યારે આવી રહેલી બે ફ્લાઇટ્સને કલકત્તામાં ડાઇવર્ટ કરવામાં આવી હતી. ઍર ટ્રાફિક કન્ટ્રોલર્સે રનવે પાસે એક અનઆઇડેન્ટિફાઇડ ફ્લાઇંગ ઑબ્જેક્ટ જોયો હતો. ઍર ટ્રાફિક કન્ટ્રોલ અને ગ્રાઉન્ડ પર રહેલા લોકોએ બપોરે બે વાગ્યાની આસપાસ ડ્રોન્સ જોયાં હોવાનું એક મીડિયા રિપોર્ટમાં જણાવાયું હતું, જેના પછી ત્રણ ફ્લાઇટ્સને ઉડાન ન ભરવા માટે જણાવાયું હતું.

ઇમ્ફાલ ઍરપોર્ટના ડિરેક્ટર ચિપેમ્મી કેઇશિંગે એક સ્ટેટમેન્ટમાં ડ્રોન જોયું હોવાનું કન્ફર્મ કર્યું હતું. ઑથોરિટીએ સિક્યૉરિટી ક્લિયરન્સ આપ્યું એના પછી જ આ ત્રણેય ફ્લાઇટ્સે ઉડાન ભરી હતી. 
ઍરપોર્ટના એક સિનિયર અધિકારીએ એક ન્યુઝ ચૅનલને નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ‘ખૂબ જ વિશાળ ફ્લાઇંગ ઑબ્જેક્ટ એક કલાક કરતાં વધારે સમય સુધી ઊડતું જોવા મળ્યો હતો.

મણિપુર સરકારે ઇન્ટરનેટ સર્વિસિસ પરના બૅનને ૨૩ નવેમ્બર સુધી લંબાવ્યા બાદ આ ઘટના બની હતી. પૂર્વોત્તર ભારતમાં આવેલા આ રાજ્યમાં વંશીય હિંસાના કારણે મોટા પાયે જાનહાનિ થઈ છે. કુકી અને મૈતેયી વચ્ચેની વંશીય હિંસામાં ૨૦૦ જણનાં મૃત્યુ થયાં છે.

imphal manipur national news