04 March, 2023 11:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
નવી દિલ્હીઃ બીજેપીએ ગઈ કાલે દાવો કર્યો હતો કે આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાને સપોર્ટ હોવાનું બતાવવા માટે દિલ્હીની સરકાર સરકારી સ્કૂલોમાં ‘આઇ લવ મનીષ સિસોદિયા’ ડેસ્ક્સ સ્થાપવા જઈ રહી છે.
દિલ્હી સરકારમાં સિસોદિયાની પાસે એજ્યુકેશન સહિત ૧૮ ખાતાં હતાં. લિકર પૉલિસીના કેસમાં સીબીઆઇ દ્વારા રિસન્ટલી તેમની ધરપકડને કારણે તેમણે રાજીનામું આપવું પડ્યું હતું.
દિલ્હી બીજેપીના પ્રવક્તા પ્રવીણ શંકર કપૂરે કહ્યું હતું કે ‘એ અફસોસની વાત છે કે સિસોદિયાની ધરપકડ પછી પણ દિલ્હી સરકાર એજ્યુકેશનના નામે ગંદું રાજકારણ રમવાનું ચૂકતી નથી. હવે તેઓ એટલા નિમ્ન સ્તરે પહોંચ્યા છે કે તેઓ એમાં નિર્દોષ સ્કૂલ સ્ટુડન્ટ્સને પણ જોડી રહ્યા છે.’
જેના જવાબમાં દિલ્હી સરકારે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ‘આવી કોઈ ઍક્ટિવિટીમાં સરકારનો કર્મચારી કે સરકારનો કોઈ પણ ડિપાર્ટમેન્ટ કોઈ પણ રીતે સામેલ નથી.’
આ ડેસ્કનો મૂળ હેતુ એ છે કે સિસોદિયા માટે સ્ટુડન્ટ્સ દ્વારા લખવામાં આવેલા મેસેજિસને આમ આદમી પાર્ટીના સિનિયર નેતાઓ શૅર કરે, જેથી એ રજૂ કરી શકાય કે સ્ટુડન્ટ્સ સિસોદિયાને સપોર્ટ આપે છે.
કૅબિનેટમાં પ્રધાન તરીકે ટૂંક સમયમાં સામેલ કરવામાં આવનારા આતિશીએ કહ્યું હતું કે ‘બીજેપી કોઈ પણ રીતે ખોટા આરોપો મૂકશે. જોકે દિલ્હીનાં બાળકોને મનીષ સિસોદિયા પ્રત્યે પ્રેમ છે, જેને તમે તોડી ન શકો.’