હૈદરાબાદમાં પતિએ પાંચ મહિનાની ગર્ભવતી પત્નીની કરી હત્યા

26 August, 2025 08:53 AM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

મૃતદેહના ટુકડા કરીને નદીમાં ફેંકી દીધા, અડધું કપાયેલું ધડ ઘરમાંથી મળી આવ્યું

મહેન્દ્ર અને સ્વાતિ

હૈદરાબાદમાં શનિવારે પાંચ મહિનાની ગર્ભવતી મહિલા ૨૧ વર્ષની સ્વાતિની તેના ૨૭ વર્ષના પતિ મહેન્દ્ર રેડ્ડીએ હત્યા કરી હતી. કૌટુંબિક વિવાદોને લઈને વારંવાર થતા ઝઘડામાં પતિએ પત્નીની હત્યા કર્યા બાદ તેના મૃતદેહના ટુકડા કરીને નદીમાં ફેંકી દીધા હતા. આ કેસમાં પોલીસે એક કંપનીમાં ડ્રાઇવર તરીકે કામ કરતા મહેન્દ્ર રેડ્ડીની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. મહેન્દ્ર રેડ્ડીએ પત્નીના મૃતદેહનું માથું, હાથ અને પગ મુસી નદીમાં ફેંકી દીધાં હતાં. સ્વાતિનું ધડ તેના ઘરમાંથી મળી આવ્યું હતું.

વિકારાબાદ જિલ્લાના કામરેડ્ડીગુડામાં રહેતાં સ્વાતિ અને મહેન્દ્ર વચ્ચે પ્રેમ થયા બાદ તેમણે લગ્ન કરી લીધાં હતાં અને બાલાજી હિલ્સમાં શિફ્ટ થયાં હતાં. પોલીસે જણાવ્યું હતું કે શનિવારે સાંજે ૪.૩૦ વાગ્યે મહેન્દ્ર રેડ્ડીએ સ્વાતિની હત્યા કરી હતી. એ પછી તેણે મૃતદેહને કરવતથી કાપીને એના કેટલાક ભાગનો નિકાલ કર્યો હતો. ત્યાર બાદ તેણે તેની બહેનને ફોન કરીને કહ્યું કે પત્ની સ્વાતિ ગુમ થઈ ગઈ છે. બહેનને શંકા ગઈ અને તેણે એક સંબંધીને જાણ કરી હતી જે તેને પોલીસ-સ્ટેશન લઈ ગયો હતો. ત્યાં તેણે ફરી એક વાર દાવો કરવાનો પ્રયાસ કર્યો હતો કે તેની પત્ની ગુમ છે, પરંતુ સઘન પૂછપરછમાં તેણે પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી હતી. પોલીસે ફૉરેન્સિક પુરાવા એકત્રિત કર્યા છે. મહિલાનું ફક્ત ધડ જ મળ્યું છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આ કેસમાં ફાસ્ટ-ટ્રૅક તપાસ અને ટ્રાયલ શરૂ થશે.

hyderabad crime news murder case news national news