15 August, 2025 02:51 PM IST | Shimla | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે શિમલામાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનને લીધે રહેણાક વિસ્તારો અને પહાડી રસ્તાઓ પર પથ્થરો-ભેખડો ધસી આવ્યાં હતાં. ભીની માટી અને ભેખડોમાં અનેક વાહનો ફસાઈ ગયાં હતાં. લોકો ભેખડો પરથી રસ્તો કરીને ચાલતા જોવા મળ્યા હતા (જમણે).
હિમાચલ પ્રદેશના શિમલામાં વાદળ ફાટવાને લીધે ભારે તારાજી સર્જાઈ છે. કોટખાઈ શહેરના ખલતૂનાલા વિસ્તાર ભયાનક પૂરમાં ગરકાવ થઈ ગયો હતો. અનેક વાહનો આ પૂરમાં તણાઈ ગયાં હતાં કે ડૂબી ગયાં હતાં. ભારે વરસાદને લીધે શિમલા શહેરમાં બે ડઝનથી વધારે વૃક્ષો પડી ગયાં હતાં અને અનેક ઇમારતો-ભવનોને પણ નુકસાન થયું હતું. ભૂસ્ખલનને લીધે અનેક વિસ્તારોમાં વાહનો કાદવમાં દબાઈ ગયાં હતાં. આ વિસ્તારમાં મણિમહેશ યાત્રાના રસ્તામાં પણ શ્રદ્ધાળુઓ માટે અલર્ટ જાહેર કરવામાં આવી હતી. આ રસ્તા પર પથ્થર પડવાને લીધે ૨૦ વર્ષની એક યુવતીનું મૃત્યુ થયું હતું. શિમલા ઉપરાંત કુલુમાં પણ ભારે નુકસાન થયું હતું. હિમાચલ પ્રદેશમાં સતત ૩૬ કલાકથી વરસાદ પડી રહ્યો છે. આ ૩૬ કલાકમાં ઓછામાં ઓછા પાંચ લોકોનાં મૃત્યુ થયાં હોવાનું જાણવા મળ્યું હતું. વરસાદી પૂરને લીધે હિમાચલ પ્રદેશમાં ૬ જેટલા પુલ તૂટી ગયા હતા, ૪૦૦ જેટલા રસ્તા બંધ થઈ ગયા હતા અને ૧૬૦૦ જેટલાં વીજ-ટ્રાન્સફૉર્મર ઠપ થઈ ગયાં હતાં.
ગઈ કાલે વાદળ ફાટવાની ઘટનાને લીધે હિમાચલ પ્રદેશમાં ફરી ભારે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. મંડીમાં ભારે પૂર અને ધસી પડેલી ભીની માટી-ભેખડોના ટુકડાઓ વચ્ચે એક બસ ફસાઈ ગઈ હતી.
કુલુ જિલ્લાના બંજાર અને આની વિસ્તારમાં ગઈ કાલે વાદળ ફાટવાને લીધે ક્રુર્પણ ખડ્ડ તથા તીર્થન નદીમાં ભારે પૂર આવ્યું હતું. તાત્કાલિક નદીકિનારાના વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.