હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે ૪૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન

08 September, 2025 09:27 AM IST  |  Himachal Pradesh | Gujarati Mid-day Correspondent

૬૦૨૫ ઘર અને ૪૫૫ દુકાનો તબાહ, ૩૬૬ લોકોએ જીવ ગુમાવ્યા

હિમાચલ પ્રદેશમાં આ વર્ષે અતિ ભારે વરસાદને લીધે પારાવાર નુકસાન થયું છે અને ઠેર-ઠેર તબાહીનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. કુલ્લુ સહિત અનેક વિસ્તારોમાં હજી રેસ્ક્યુ ઑપરેશન ચાલી રહ્યું છે.

અવિરત વરસાદ અને ઢોળાવવાળી ટેકરીઓથી ઘેરાયેલા હિમાચલ પ્રદેશને ૨૦ જૂનથી શરૂ થયેલી મૉન્સૂનની સીઝનમાં વાદળ ફાટવા, અચાનક પૂર આવવું અને ભૂસ્ખલનને કારણે ૪૦૭૯ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. રાજ્યમાં ૩૬૬ લોકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલ છે. સ્ટેટ ઇમર્જન્સી ઑપરેશન સેન્ટર (SEOC)ના જણાવ્યા અનુસાર વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૨૦૩ અને માર્ગ-અકસ્માતોમાં ૧૬૩ લોકોએ જીવ ગુમાવ્યા છે. બીજી તરફ ૪૧ લોકો ગુમ છે. વરસાદ સંબંધિત મૃત્યુમાં ૪૨ લોકો ભૂસ્ખલનને કારણે, ૧૭ લોકો વાદળ ફાટવાથી અને ૯ લોકો પૂરને કારણે મૃત્યુ પામ્યા છે.

ચોમાસાના પ્રકોપને કારણે ૬૦૨૫ ઘરો અને ૪૫૫ દુકાનો અથવા કારખાનાંઓને સંપૂર્ણ અથવા આંશિક રીતે નુકસાન થયું છે. હિમાચલ પ્રદેશમાં આ સીઝનમાં અત્યાર સુધીમાં ૧૩૫ મોટાં ભૂસ્ખલનના, ૯૫ અચાનક પૂરના અને ૪૫ વાદળ ફાટવાના બનાવો નોંધાયા છે.

શિમલાના સફરજન પટ્ટામાં ચૈલા નજીક શિમલા-થિઓગ રસ્તો સતત ભૂસ્ખલનને કારણે બંધ થઈ ગયો છે, જેને કારણે સફરજન ભરેલી ટ્રકો સહિત અનેક વાહનો ફસાઈ ગયાં છે. ગોડાઉનોમાં સફરજનનો સ્ટૉક સડવા લાગ્યો છે.

ચંબા જિલ્લાના ભરમૌર-મણિમહેશમાં શોધ-કામગીરી શનિવારે રદ કરવામાં આવી હતી. ૧૫ ઑગસ્ટથી મણિમહેશ યાત્રા શરૂ થઈ ત્યારથી ૧૭ યાત્રાળુઓએ જીવ ગુમાવ્યા છે.

પહેલી જૂનથી ૬ સપ્ટેમ્બર સુધીમાં હિમાચલમાં ૯૪૩.૨ મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સામાન્ય ૬૪૮.૧ મિલીમીટર કરતાં ૪૬ ટકા વધુ છે.

himachal pradesh monsoon news floods in india Weather Update national news news landslide