20 March, 2022 01:07 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
કર્ણાટક હિજાબ કેસમાં ચુકાદો આપનાર જજને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ફરિયાદ મળ્યા બાદ પોલીસે કેસ નોંધ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે સોશિયલ મીડિયા પર એક ધમકીભર્યો વીડિયો સામે આવ્યો હતો, ત્યાર બાદ પોલીસે આ કાર્યવાહી કરી હતી. 15 માર્ચે હાઈકોર્ટે શૈક્ષણિક સંસ્થાઓમાં ગણવેશ અંગેના રાજ્ય સરકારના આદેશને યથાવત રાખ્યો હતો. હાલમાં અરજદારો આ મામલે સુપ્રીમ કોર્ટમાં ગયા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર એડવોકેટ ઉમાપતિએ શનિવારે કર્ણાટક હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને આ મામલે ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદીનું કહેવું છે કે તેને વોટ્સએપ પર એક વીડિયો મળ્યો જેમાં એક વ્યક્તિ ચીફ જસ્ટિસ ઋતુરાજ અવસ્થીને ખુલ્લેઆમ ધમકી આપતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તે ઝારખંડના જજની કથિત હત્યાનો પણ ઉલ્લેખ કરી રહ્યો છે.
ફરિયાદીએ કહ્યું કે “સ્પીકરે કર્ણાટકના મુખ્ય ન્યાયાધીશને પણ આવી જ ધમકી આપી છે કે લોકો જાણે છે કે તે ક્યાં ફરવા જાય છે. તે વ્યક્તિએ પરિવારના સભ્યો સાથે જજની ઉડુપી મઠની મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કોર્ટના નિર્ણય વિશે વાત કરતી વખતે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો.” ફરિયાદીએ એમ પણ કહ્યું કે “આ વીડિયો તમિલનાડુના મદુરાઈમાં શૂટ કરવામાં આવ્યો હોઈ શકે છે.”
અન્ય એક વકીલ સુધા કટવાએ પણ વાયરલ વીડિયો અંગે ફરિયાદ નોંધાવી છે. ચીફ જસ્ટિસ અવસ્થી, જસ્ટિસ કૃષ્ણા દીક્ષિત અને કાઝી એમ ઝૈબુન્નીસાની બનેલી હાઈકોર્ટની ત્રણ સભ્યોની બેંચે હિજાબ કેસમાં ચુકાદો સંભળાવ્યો હતો.
તમિલનાડુ પોલીસે બે લોકોની ધરપકડ કરી
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, હાઈકોર્ટના ન્યાયાધીશને ધમકી આપવા બદલ પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. એક તરફ કોવઈ રહેમતુલ્લા નામના વ્યક્તિની તિરુનાલવેલીથી ધરપકડ કરવામાં આવી છે. તે જ સમયે, 44 વર્ષીય જમાલ મોહમ્મદ ઉસ્માનીને તંજાવુરમાંથી અટકાયતમાં લેવામાં આવ્યો હતો.