HDFC મોબાઇલ બેન્કિંગ એપ એક કલાક ડાઉન થયા બાદ ફરી શરુ થઇ

15 June, 2021 04:03 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આજે સવારે લગભગ એક કલાક સુધી ગ્રાહકો થયા પરેશાન : આ દરમિયાન ગ્રાહકોને નેટ બેન્કિંગના ઉપયોગની વિનંતી : બાદમાં ઑફિશ્યલ હેન્ડલ પરથી પ્રોબ્લેમ સૉલ્વ થઈ ગયો હોવાનું જણાવ્યું

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એએફપી)

દેશની બીજી સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક એચડીએફસી (HDFC) બેંકના ગ્રાહકો હેરાન પરેશાન થઈ ગયા હતા. તેમના હેરાન-પરેશાન થવાનું કારણ હતું મોબાઇલ બેન્કિંગ એપ. ટૅક્નિકલ ખામીને કારણે બેંકનું મોબાઇલ બેન્કિંગ એપ ડાઉન થઈ જતા ગ્રાહકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. જોકે, બેંકેગ્રાહકોને આ સમય દરમિયાન નેટ બેન્કિંગનો વપરાશ કરવાની સલાહ આપી હતી. આ બાબતે ટ્વીટ પણ કરવામાં આવ્યું હતું.

એચડીએફસી બેંકે ટ્વીટ કરીને કહ્યું કે, ‘એચડીએફસી બેંક મોબાઇલ બેન્કિંગ એપમાં આવેલી સમસ્યાઓને પ્રાથમિકતા આપીને તેના પર કામ કરી રહી છે. ટુંક સમયમાં વિગતોને અપડેટ કરીશું. એચડીએફસી બેંકના ગ્રાહકોને વિનંતી છે કે તેઓ નેટ બેન્કિંગનો ઉપયોગ કરે’.

જોકે, એક કલાકમાં એચડીએફસીનું મોબાઇલ બેન્કિંગ એપ ફરી શરુ થઈ ગયું હતું. ત્યારે ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું કે, ‘એચડીએફસી મોબાઇલ બેન્કિંગ એપમાં આવેલી ટૅક્નિકલ ખામીને દુર કરવામાં આવી છે. બેંકના ગ્રાહકો હવે નેટ બેન્કિંગ અને મોબાઇલ બેન્કિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ટ્રાન્ઝેક્શન કરી શકશે. ગ્રાહકોને થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ અને તમારા ધૈર્ય બદલ આભાર’.

તમને જણાવી દઈએ કે, બેંકમાં આ પહેલાં પણ અનેકવાર ટૅક્નિકલ ખામી સર્જાઈ છે. વર્ષ ૨૦૧૯ના ડિસેમ્બર મહિનામાં એચડીએફસીનું મોબાઇલ બેન્કિંગ એપ અને નેટ બેન્કિંગ ઘણા કલાકો સુધી બંધ રહ્યું હતું. ત્યારે ગ્રાહકોએ ટ્વીટરના માધ્યમથી ફરિયાદો કરી હતી.

national news hdfc bank