આઝાદી પછી કદી ​તિરંગો લહેરાવાયો નથી ત્યાં પણ ‘હર ઘર તિરંગા’ મૂવમેન્ટ

14 August, 2022 11:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છત્તીસગઢના નક્સલવાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સીઆરપીએફના જવાનો રાષ્ટ્રીય ધ્વજ વહેંચી રહ્યા છે

આઝાદી પછી કદી ​તિરંગો લહેરાવાયો નથી ત્યાં પણ ‘હર ઘર તિરંગા’ મૂવમેન્ટ

નવી દિલ્હી ઃ છત્તીસગઢના નક્સલવાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં તહેનાત સીઆરપીએફના જવાનો અંતરિયાળ ગામોમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ આદિવાસીઓને તિરંગો વહેંચી રહ્યા છે. સીઆરપીએફના અધિકારીઓએ ગઈ કાલે જણાવ્યું હતું કે અમે એવાં અનેક ગામોમાં લોકોને રાષ્ટ્રીય ધ્વજ આપ્યા છે જ્યાં આઝાદી  મળ્યા બાદ અત્યાર સુધી નક્સલવાદીઓના ડર તેમ જ જુદાં-જુદાં કારણોસર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો નથી. 
સીઆરપીએફના જવાનો આ આદિવાસી ગામના લોકોને પોતાના ઘર પર તિરંગો લહેરાવવા અને ઇન્ડિપેન્ડન્સ-ડેનું મહત્ત્વ સમજાવી રહ્યા છે. આ પગલાથી સીઆરપીએફને સ્થાનિક લોકો સાથે સંબંધ સુધારવામાં પણ મદદ મળી રહી છે.
આ રાજ્યમાં નક્સલવાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સુરક્ષા માટે સીઆરપીએફની ૩૮ બટૅલ્યનોને તહેનાત કરવામાં આવી છે. એક બટૅલ્યનમાં લગભગ ૧૦૦૦ જેટલા જવાન હોય છે. છત્તીસગઢમાં પોસ્ટેડ સીઆરપીએફના ઇન્સ્પેક્ટર જનરલ સાકેતકુમાર સિંહે જણાવ્યું કે છેલ્લા એક અઠવાડિયામાં દંતેવાડા, બીજાપુર, બસ્તર અને સુકમા જિલ્લાઓનાં ગામડાંઓમાં સીઆરપીએફના જવાનોએ લગભગ એક લાખ રાષ્ટ્રીય ધ્વજ લોકોમાં વહેંચ્યા છે. આ અભિયાનનો હેતુ અંતરિયાળ વિસ્તારોનાં ગામોના આદિવાસીઓને ઇન્ડિપેન્ડન્સ-ડેના સેલિબ્રેશનમાં સામેલ કરવાનો છે. 

national news independence day