26 August, 2025 06:59 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
નિક્કી અને પતિ વિપિન
ગ્રેટર નોએડામાં દહેજ માટે ઘરેલું હિંસાનો ભયંકર કેસ સામો આવ્યો હતો. નિક્કી નામની એક મહિલાને તેના પતિ અને સાસરિયાંઓએ માર માર્યો હતો અને પછી પુત્ર સામે જ તેના પર જ્વલનશીલ પદાર્થ છાંટીને સળગાવી દેવામાં આવી હતી. સળગતા શરીર સાથે દાદર ઊતરતી નિક્કીનો ભયાનક વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. ગુરુવારે રાતે ફોર્ટિસ હૉસ્પિટલ તરફથી પોલીસને એક મેમો મળ્યો ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી. એમાં પોલીસને જણાવવામાં આવ્યું હતું કે એક મહિલાને સળગેલી હાલતમાં હૉસ્પિટલમાં લાવવામાં આવી છે અને તેની સ્થિતિ ગંભીર હોવાથી તેને સફદરજંગ હૉસ્પિટલ રિફર કરવામાં આવી રહી છે.
આ માહિતી મળતાં જ પોલીસ-ટીમ સક્રિય થઈ ગઈ હતી અને નિક્કીના પરિવારનો સંપર્ક કરીને ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં નિક્કીનું મૃત્યુ થઈ ગયું હતું. પોલીસે જણાવ્યું હતું કે નિક્કીના પરિવારની ફરિયાદ પર હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. નિક્કીનાં લગ્ન ૨૦૧૬માં થયાં હતાં. પરિવારે આરોપ લગાવ્યો છે કે નિક્કીને તેના પતિ અને સાસરિયાંઓએ જાણીજોઈને સળગાવી દીધી હતી. નિક્કીના પરિવારે આપેલી માહિતી પ્રમાણે તેનાં સાસરિયાંએ દહેજમાં ૩૬ લાખ રૂપિયા માગ્યા હતા, જે નિક્કીનો પરિવાર આપી શક્યો નહોતો. આ પહેલાં તેમણે સ્કૉર્પિયો ગાડી અને બુલેટ-બાઇક નિક્કીના પતિને આપ્યાં હતાં. એમ છતાં વધુ પૈસા માટે તે લોકો નિક્કીને માર મારીને હેરાન કરતા હતા. બીજા એક વિડિયોમાં તેનો પતિ અને એક મહિલા નિક્કીના વાળ પકડીને, ખેંચીને માર મારી રહ્યાં છે એવું પણ દેખાય છે.
પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી પતિ વિપિન ભાટીની ધરપકડ કરી હતી. આ સિવાય અન્ય આરોપીની ધરપકડ કરવા માટે બે ટીમ બનાવવામાં આવી છે. પોલીસ-અધિકારીઓએ નિક્કીના પરિવારને ખાતરી આપી હતી કે કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ઝડપથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં પોલીસ તમામ પાસાંઓને ધ્યાનમાં રાખીને ગુનાની તપાસ કરી રહી છે. હત્યાની કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને ટેક્નિકલ પુરાવા તેમ જ પરિવારના સભ્યોનાં નિવેદનોના આધારે તપાસ આગળ વધી રહી છે. કસ્ટડીમાંથી ભાગવા જતાં આરોપી પતિના પગમાં પોલીસે ગોળી મારી દીધી હતી.
પતિ-પત્ની વચ્ચે ઝઘડા તો થાય, મને કોઈ પસ્તાવો નથી : વિપિન
આરોપી પતિ વિપિન ભાટીએ મીડિયા સાથેની વાતચીતમાં બેફિકરભાવે કહ્યું હતું કે ‘જે થયું એનો મને કોઈ પસ્તાવો નથી. પતિ-પત્ની વચ્ચે ઝઘડા તો થયા કરે, એ તો બહુ સામાન્ય વાત છે. મેં નિક્કીને મારી નથી, તેણે આત્મહત્યા કરી છે.’
વિપિને નિક્કીના મૃત્યુ પછી તરત સોશ્યલ મીડિયા પર એવી પોસ્ટ કરી હતી કે ‘નિક્કી, તેં મને કેમ ન કહ્યું કે શું થયું હતું? તેં મને છોડી દીધો? તેં આવું કેમ કર્યું? દુનિયા મને કાતિલ કહી રહી છે. તારા ગયા પછી મારી સાથે ખોટું થઈ રહ્યું છે.’