ઉજ્જ્વલા યોજનાના લાભાર્થીઓને હવે વર્ષે નવને બદલે માત્ર ૪ ગૅસ-સિલિન્ડર મળશે

09 June, 2026 07:45 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પશ્ચિમ એશિયામાં વ્યાપ્ત કટોકટીથી આંતરરાષ્ટ્રીય ભાવમાં ભડકો ઃ ઑઇલ કંપનીઓને દરરોજના ૬૦૦ કરોડથી વધુના નુકસાન વચ્ચે સરકારનો નિર્ણય

પ્રતીકાત્મક તસવીર

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી કટોકટી અને આંતરરાષ્ટ્રીય બજારમાં લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG)ના વધતા ભાવને પગલે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના (PMUY) હેઠળ લાભાર્થીઓને અપાતાં સબસિડીવાળાં ગૅસ-સિલિન્ડરની વાર્ષિક મર્યાદા નવથી ઘટાડીને હવે ૪ કરવામાં આવી છે.

પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે સાઉદી બેન્ચમાર્ક મુજબ ૧૪.૨ કિલોના ગૅસ-સિલિન્ડરની વાસ્તવિક કિંમત ૧૬૦૦ રૂપિયાને પાર પહોંચી છે છતાં ભારતમાં સામાન્ય ગ્રાહકોને ૭૦૦ રૂપિયાની પરોક્ષ સબસિડી આપીને આ સિલિન્ડર ૯૪૨ રૂપિયામાં અપાય છે, જ્યારે ઉજ્જ્વલા યોજનાના ગ્રાહકોને સિલિન્ડર પર ૩૦૦ રૂપિયાની વધારાની સબસિડી સીધી તેમના બૅન્ક-ખાતામાં ચૂકવાય છે. પરિણામે તેમને એક સિલિન્ડર માત્ર ૬૪૨ રૂપિયામાં પડે છે.

હૉર્મુઝની ખાડી બંધ થવાથી ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં LPGના ભાવમાં ૪૬ ટકાનો ઉછાળો આવ્યો છે. સરકારી આંકડાઓ મુજબ ઑઇલ માર્કેટિંગ કંપનીઓને પેટ્રોલ, ડીઝલ અને ગૅસના વેચાણમાં રોજના ૬૦૦થી ૭૦૦ કરોડ રૂપિયાનું જંગી નુકસાન થઈ રહ્યું છે. ગયા વર્ષે આ કુલ નુકસાન ૬૦,૦૦૦ કરોડ રૂપિયાએ પહોંચતાં કૅબિનેટે ઑઇલ-કંપનીઓને ૩૦,૦૦૦ કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાની મંજૂરી આપી છે.

lpg crisis lpg cylinder indian government national news news