કફ સિરપના ઓવરડોઝથી દીકરાને બેભાન કરી મર્ડર?

11 January, 2024 10:00 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

પોલીસને એવું જ લાગે છે અને તેમનું એવું માનવું છે કે આ એક પહેલેથી પ્લાન કરેલું કાવતરું હતું ઃ બેહોશ પુત્રને ઓશીકા કે કપડાની મદદથી ગૂંગળાવીને મારી નાખ્યાની શંકા

સૂચના સેઠ

બૅન્ગલોર : ગોવામાં પોતાના પુત્રની હત્યા કરનારી સૂચના સેઠે પહેલેથી જ યોજના બનાવીને હત્યા કરી હોવાની આશંકા ગોવા પોલીસે જતાવી છે. હત્યા કરવામાં આવી હતી એ ઓરડામાંથી બે કફ સિરપની ખાલી બૉટલ મળી છે, જે પીડિતને બેભાન કરવા માટે કથિત રીતે ઉપયોગમાં લેવામાં આવ્યું હતું.

પોલીસને શંકા છે કે આરોપીએ પીડિતને ઓશીકું અથવા કપડાથી ગૂંગળાવતા પહેલાં કફ સિરપની ભારે માત્રા આપી હતી. હત્યા પછી તેણે બૅગમાં લાશ ભરીને કર્ણાટક ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ગોવા પોલીસ દ્વારા ચેતવણી આપવામાં આવ્યા બાદ તેનો ટૅક્સી-ડ્રાઇવર તેને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લઈ ગયો હતો અને ચિત્રદુર્ગમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
પોસ્ટમૉર્ટમમાં બહાર આવ્યું છે કે ચાર વર્ષના પીડિતને ગૂંગળાવીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. પોલીસને એક મોટી અને એક નાની કફ સિરપની ખાલી બૉટલ મળી છે. પોલીસ એ શક્યતાની તપાસ કરી રહી છે કે સૂચના સેઠે તેને ઘેનવાળું કફ સિરપ ભારે માત્રામાં આપ્યું હશે, જેથી તેને મોતને ઘાટ ઉતારી દેતાં પહેલાં તેની સંવેદના ઘટી જાય.

મહિને અઢી લાખ રૂપિયાનું ભરણપોષણ માગ્યું હતું
બૅન્ગલોર​​સ્થિત સ્ટાર્ટ-અપની સીઈઓ સૂચના સેઠ દ્વારા તેના પતિ પાસેથી મહિને અઢી લાખ રૂપિયાનું ભરણપોષણ માગવામાં આવ્યું હતું. તેણે એવો દાવો કર્યો હતો કે તેના પતિની વાર્ષિક આવક એક કરોડ રૂપિયાથી પણ વધુ છે. સૂચનાએ પતિ સામે શારીરિક સતામણીના પણ આક્ષેપો કર્યા હતા. તેણે આ સંબંધી વૉટ્સઍપ મેસેજીસ અને મેડિકલ રેકૉર્ડ્સ પણ રજૂ કર્યા હતા.

national news Crime News bengaluru goa