25 April, 2026 11:06 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
નાણાપ્રધાન નિર્મલા સીતારમણ
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ઍન્થ્રોપિકના ક્લાઉડ માયથોસ મૉડલ સાથે સંકળાયેલાં સંભવિત સાઇબર સુરક્ષા જોખમોને સમજવા માટે વિવિધ બૅન્કોના વડાઓ સાથે ઉચ્ચ સ્તરીય સુરક્ષા-બેઠક બોલાવી હતી. સાઇબર સિક્યૉરિટીની વાત આવે ત્યારે ક્લાઉડ માયથોસ સૌથી અદ્યતન આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) મૉડલ હોવાનો દાવો કરવામાં આવે છે. આ એક શક્તિશાળી AI છે જે કોઈ પણ સિસ્ટમને હૅક કરી શકે છે.
નાણામંત્રાલયના સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે નિર્મલા સીતારમણે ક્લાઉડ માયથોસની સંભવિત અસર વિશે હિસ્સેદારોને ચેતવણી આપી હતી. માયથોસ તરફથી આવેલો ખતરો અભૂતપૂર્વ છે અને નાણાકીય સંસ્થાઓ તથા બૅન્કોમાં ઉચ્ચ સ્તરની તકેદારી, તૈયારી અને વધુ સારા સંકલનની જરૂર છે. તેમણે કોઈ પણ સાઇબર હુમલાને ઓળખી શકે અને એના પર કાર્યવાહી કરી શકે એવી પદ્ધતિઓ બનાવવા માટે સલાહ આપી હતી.
માયથોસ એટલું શક્તિશાળી માનવામાં આવે છે કે કોઈ ખરાબ વ્યક્તિ એનો ઉપયોગ કોઈ પણ સંસ્થા અથવા બૅન્કિંગ સિસ્ટમને હૅક કરવા માટે કરી શકે છે, પરંતુ આ સંભવિત ખતરાને પહોંચી વળવા માટે નાણામંત્રાલય એક માળખું બનાવવાની યોજના બનાવી રહ્યું છે જે આવા કોઈ પણ પ્રયાસને ઓળખશે અને એની સામે કાર્યવાહી કરશે.
મીટિંગમાં નિર્મલા સીતારમણે બૅન્કોને એની IT સિસ્ટમને સુરક્ષિત કરવા અને ગ્રાહક ડેટાને સુરક્ષિત રાખવા માટે જરૂરી પૂર્વ-નિયંત્રણાત્મક પગલાં લેવાનું કહ્યું હતું.