27 September, 2023 09:15 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
તામિલનાડુને પાણી આપવા સામે બૅન્ગલોરમાં વિરોધ-પ્રદર્શન કરી રહેલા ખેડૂતો
ગઈ કાલે બૅન્ગલોરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા કાવેરીના પાણીના વિવાદમાં બંધની જાહેરાત કરતાં આંશિક પ્રતિસાદ મળ્યો હતો. માત્ર કેટલાક લોકો જ રસ્તા પર ઊતરી આવ્યા હતા, બાકી મોટા ભાગની જાહેર સેવા ચાલુ રાખવામાં આવી હતી. ખેડૂતોનો અવાજ ગણાતી કર્ણાટક જલા સંરક્ષણ સમિતિ અને કુરુબુરુ શાંતાકુમાર દ્વારા સવારે ૬થી સાંજે ૬ વાગ્યા સુધી બંધનું એલાન આપ્યું હતું. અગાઉના દિવસે, શાંતાકુમાર અને સમિતિના અન્ય નેતાઓને પોલીસે મૈસૂર બૅન્ક સર્કલ ખાતે અટકાયતમાં લીધા હતા, કારણ કે તેઓ ટાઉન હૉલ તરફ વિરોધ કૂચનું નેતૃત્વ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. કન્નડ તરફી સંગઠનોના કેટલાક કાર્યકરોને પણ પોલીસે ટાઉન હૉલ ખાતેથી ઝડપી લીધા હતા, કારણ કે તેઓ વિરોધ કરવા માટે ત્યાં ભેગા થયા હતા. ખેડૂતોના નેતાઓ અને કન્નડ તરફી કાર્યકરોએ વિરોધ અને બંધને ઘટાડવા માટે પોલીસ બળનો કથિત ઉપયોગ કરવા બદલ સરકાર પર પ્રહારો કર્યા હતા. ખેડૂતો અને કન્નડ તરફી સંગઠનોએ તેમના નેતાઓ સાથે જેમાં શાંતાકુમાર અને અન્યનો સમાવેશ થાય છે, બાદમાં ફ્રીડમ પાર્ક ખાતે વિરોધ-પ્રદર્શન કર્યું, જે આવાં પ્રદર્શનો માટે એકમાત્ર નિયુક્ત સ્થળ છે. જોકે સુપ્રીમ કોર્ટે ૨૧મી સપ્ટેમ્બરના રોજ આ મામલે કોઈ પણ જાતની દખલગીરી કરવાની ના પાડી હતી તેમ જ નિયમ મુજબ કાવેરી વૉટર મૅનેજમેન્ટ ઑથોરિટીને ૧૫ દિવસ સુધી ૫૦૦૦ ક્યુસેક લિટર પાણી તામિલનાડુને આપવા માટે કહ્યું હતું.
બંધના એલાનને કારણે બૅન્ગલોરના બસ ડેપોમાં ઊભી રહેલી બસો
ડીએમકેના દબાણથી પાણી છોડ્યું: ચંદ્રશેખર
કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ગઈ કાલે દાવો કર્યો હતો કે ‘ઇન્ડિયા સંગઠન અને સત્તાપક્ષ ડીએમકેના દબાણ હેથળ કર્ણાટક સરકારે કાવેરી નદીનું પાણી તામિલનાડુમાં છોડવાનું નક્કી કર્યું હતું.’ એણે આરોપ લગાવ્યો હતો કે સિદ્ધારમૈયા સરકારે તામિલનાડુમાં એમ. કે. સ્ટૅલિનની આગેવાની હેઠળના દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે) વિના કૉન્ગ્રેસ ટકી શકે એમ ન હોવાથી પાણી છોડ્યું. અહીં પત્રકારો સાથે વાત કરતાં ચંદ્રશેખરે કહ્યું હતું કે ‘બીજેપી કર્ણાટકના લોકો પર કૉન્ગ્રેસના એવા રાજકીય દબાણને મંજૂરી આપશે નહીં અને મજબૂત લડત લડશે. સિદ્ધારમૈયા અને
ડીકે શિવકુમારની સરકારે કોઈ પણ પક્ષની સલાહ લીધા વિના કાવેરીનું પાણી છોડ્યું. તેમની સરકાર પાસે આ મુદ્દે કોઈ પણ પ્રકારનો સર્વપક્ષીય પરામર્શ નથી.