18 November, 2025 09:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
માન્ય આયાત લાઇસન્સ વિના ઇમ્પોર્ટેડ કૉસ્મેટિક વસ્તુઓ વેચતી મુંબઈની બે અને ઉલ્હાસનગરની એક દુકાનમાં ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ની ટીમે ગુરુવારે દરોડા પાડ્યા હતા. મુંબઈની ક્રૉફર્ડ માર્કેટમાં મેસર્સ બેરા બ્યુટી અને મેસર્સ મૅક્સ ઍન્ડ મોર પ્રોફેશનલ મેકઅપ સ્ટોરમાંથી FDAના અધિકારીઓએ આશરે ૩ લાખ રૂપિયાની કૉસ્મેટિક વસ્તુઓ જપ્ત કરી હતી. એ ઉપરાંત ઉલ્હાસનગરમાં મેસર્સ બ્યુટી બૅન્ડ પર દરોડા પાડીને ત્યાંથી આશરે દોઢ લાખ રૂપિયાની કૉસ્મેટિકની વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી.
મુંબઈના FDAના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુપ્ત માહિતીના આધારે શરૂઆતમાં ગુરુવારે સવારે ક્રૉફર્ડ માર્કેટમાં મેસર્સ બેરા બ્યુટી અને મેસર્સ મૅક્સ ઍન્ડ મોર પ્રોફેશનલ મેકઅપ સ્ટોરમાં દરોડો પાડવામાં આવ્યો હતો જ્યાં મોટી સંખ્યામાં કૉસ્મેટિકની વસ્તુઓ મળી હતી. એની ખરીદી ક્યાંથી કરવામાં આવી હતી તેમ જ એની ખરીદીનાં બિલ વિશેની માહિતી મેળવવામાં આવતાં બન્ને દુકાનના માલિકોએ અમને માહિતી આપી નહોતી. દરમ્યાન કૉસ્મેટિકની વસ્તુઓ પર લાગેલાં સ્ટિકર પર FDAના કાયદા અનુસાર યોગ્ય માહિતી પણ આપવામાં આવી નહોતી. અંતે વધુ તપાસ કરવામાં આવતાં કૉસ્મેટિકની એ વસ્તુઓ બીજા દેશમાંથી આયાત કરવામાં આવી હોવાની ખાતરી થતાં બન્ને દુકાનમાંથી ત્રણ લાખ રૂપિયાની વસ્તુ જપ્ત કરવામાં આવી હતી. એવી જ રીતે ગુપ્ત માહિતીના આધારે ઉલ્હાસનગરમાં અસિસ્ટન્ટ કમિશનર રોહિત રાઠોડે મેસર્સ બ્યુટી બૅન્ડ પર દરોડો પાડ્યો હતો જ્યાં લાખ રૂપિયાનો કૉસ્મેટિકની વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. આ કાર્યવાહી FDAની મુંબઈ, થાણે અને વિજિલન્સ વિભાગે કરી હતી.’