...તો મોદી મોહન ભાગવતને પણ આતંકવાદી ગણાવશે: રાહુલ ગાંધી

25 December, 2020 12:34 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

...તો મોદી મોહન ભાગવતને પણ આતંકવાદી ગણાવશે: રાહુલ ગાંધી

કેન્દ્ર દ્વારા લાવવામાં આવેલા ત્રણ નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો છેલ્લા ૨૯ દિવસથી દિલ્હીની સરહદો પર પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂત આંદોલનને લઈને કૉન્ગ્રેસના રાહુલ ગાંધી સહિત ત્રણ નેતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા હતા. બીજી તરફ કૉન્ગ્રેસને માર્ચ કાઢવાની મંજૂરી મળી નહોતી, જેને લઈને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત અન્ય કેટલાક નેતાઓની અટકાયત કરવામાં આવી. જોકે પોલીસ દ્વારા થોડા સમય બાદ કૉન્ગ્રેસના નેતાઓને છોડી દેવામાં આવ્યા હતા. દિલ્હીમાં કૉન્ગ્રેસની માર્ચ પહેલાં પ્રિયંકા ગાંધીની અટકાયત કરવામાં આવી હતી. કૉન્ગ્રેસના નેતાઓ વિજય ચોકથી રાષ્ટ્રપતિ ભવન માર્ચ યોજવાના હતા. જોકે આ અગાઉ કૉન્ગ્રેસની આ માર્ચને પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી નહોતી. આ બાદ કૉન્ગ્રેસના ત્રણ નેતાઓને રાષ્ટ્રપતિ સાથે મુલાકાતની મંજૂરી મળી હતી, જેને લઈને કૉન્ગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત ગુલામ નબી આઝાદ, અધીર રંજને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. જ્યાં કૉન્ગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બે કરોડ લોકોના હસ્તાક્ષર સહિત મેમોરેન્ડમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સોંપ્યું હતું. કૉન્ગ્રેસે રાષ્ટ્રપતિને ત્રણ નવા કૃષિ કાયદા પરત લેવાની માગણી કરી હતી.

રાષ્ટ્રપતિને મળ્યા બાદ રાહુલ ગાંધીએ પત્રકારોને જણાવ્યું કે ભારતમાં લોકતંત્ર નથી બચ્યું. પાર્ટી નેતાઓની ધરપકડ અંગે તેઓએ કહ્યું કે લોકતંત્ર સપનામાં ભલે હોય, પરંતુ હકીકતમાં એ બિલકુલ નથી.

કૃષિ કાયદાઓને લઈ વાયનાડના સાંસદે કહ્યું કે ક્રોની કૅપિટાલિસ્ટ્સ માટે વડા પ્રધાન મોદી નાણાં બનાવી રહ્યાં છે. જે પણ તેમની વિરુદ્ધ ઊભા રહેવાનો પ્રયાસ કરશે, તેઓ આતંકવાદી કહેવાશે. તે ભલે ખેડૂત હોય, શ્રમિક હોય કે મોહન ભાગવત હોય.

ખેડૂતોને દેશવિરોધી કહેવું એ પાપ છે: પ્રિયંકા ગાંધી

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ખેડૂતો માટે એવા શબ્દોનો ઉપયોગ કરવો પાપ છે. જો સરકાર તેમને દેશદ્રોહી કહી રહી છે એ સરકાર પાપી છે. પ્રિયંકા ગાંધીએ આગળ કહ્યું કે અમે લોકશાહીમાં રહીએ છીએ અને તેઓ ચૂંટાયેલા સાંસદ છે અને તેમને રાષ્ટ્રપતિને મળવાનો અધિકાર છે. સરકાર આ લાખો ખેડૂતોનો અવાજ સાંભળવા તૈયાર નથી.

national news rahul gandhi priyanka gandhi