10 September, 2023 10:00 AM IST | Amravati | Gujarati Mid-day Correspondent
નંદયાલા ટાઉનમાં ગઈ કાલે ભ્રષ્ટાચારના એક કેસમાં તેલુગુ દેસમ પાર્ટીના ચીફ એન. ચન્દ્રબાબુ નાયડુની ધરપકડ કરી રહેલી સીઆઇડીની ટીમ
આંધ્ર પ્રદેશ સીઆઇડી પોલીસે ગઈ કાલે ૫૫૦ કરોડ રૂપિયાના કથિત ફ્રૉડના કેસમાં તેલુગુ દેસમ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એન. ચન્દ્રબાબુ નાયડુની નંદયાલાથી ધરપકડ કરી હતી. આંધ્ર પ્રદેશ સીઆઇડીના ચીફ એન. સંજયે કહ્યું હતું કે આ કેસ સ્કિલ ડેવલપમેન્ટ કૉર્પોરેશનનાં ફન્ડ્સને ગેરકાયદે ડાઇવર્ટ કરવાનો છે. નાયડુની ધરપકડ બાદ રિપોર્ટર્સને સંબોધતાં આ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તપાસમાં બહાર આવ્યું છે કે નાયડુ અને ટીડીપી ફન્ડ્સના ગેરકાયદે ઉપયોગના લાભાર્થી છે.
નાયડુ પર શું આરોપ મૂકવામાં આવ્યો છે?
જગન મોહન રેડ્ડી સરકારે આરોપ મૂક્યો છે કે સ્કિલ ડેવલપમેન્ટના નામે આંધ્ર પ્રદેશના બેરોજગાર યુવાનોની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. નોકરી આપવાના નામે આ સૌથી મોટો ગોટાળો છે. પોતાના શાસનમાં ૨૦૧૬માં નાયડુએ આંધ્ર પ્રદેશમાં સ્કિલ ડેવલપમેન્ટ કૉર્પોરેશનની રચના કરી હતી. યંગસ્ટર્સના સ્કિલ ડેવલપમેન્ટ માટે એક્સલન્સ સેન્ટર્સ બનાવવાની જોગવાઈ હતી. સેન્ટર બનાવવા માટે ટેક કંપનીઓની સાથે ૩૩૫૬ કરોડ રૂપિયાની સમજૂતિ કરવામાં આવી હતી. નક્કી કરવામાં આવ્યું હતું કે ટેક કંપનીઓ એક્સલન્સ સેન્ટર બનાવવા માટે ૯૦ ટકા ફન્ડ ફાળવશે અને ૧૦ ટકા ખર્ચ રાજ્ય સરકાર ઉપાડશે. એવો આરોપ છે કે સ્કિલ ડેવલપમેન્ટના નામે ટેક કંપનીઓએ વિદેશોમાં માત્ર કાગળ પર રહેલી કંપનીઓમાં રૂપિયા મોકલ્યા. જગન મોહન રેડ્ડીએ નાયડુના એક્સલન્સ મૉડલ સામે સવાલો ઉઠાવ્યા હતા. ૨૦૨૧માં કૌશલ વિકાસ કૉર્પોરેશનના મામલે એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં હવે નાયડુને આરોપી નંબર વન બનાવવામાં આવ્યા છે.
છેલ્લાં ૪૫ વર્ષથી મેં નિઃસ્વાર્થ ભાવે તેલુગુ લોકોની સેવા કરી છે. હું તેલુગુ લોકોનાં હિતોના રક્ષણ માટે મારા જીવનનું બલિદાન આપવા માટે તૈયાર છું. તેલુગુ લોકોની સેવા કરતાં મને કોઈ જ ન અટકાવી શકે. સીઆઇડીએ મને પુરાવા બતાવવાનો ઇનકાર કર્યો છે. - એન. ચન્દ્રબાબુ નાયડુ, તેલુગુ દેસમ પાર્ટીના સુપ્રીમો