06 May, 2024 08:52 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
એસ. જયશંકર
ગયા વર્ષે જૂન મહિનામાં કૅનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના કેસમાં કૅનેડિયન પોલીસે ત્રણ ભારતીયોની ધરપકડ કરી હોવાની જાણકારી આપી છે એવા સમયે ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરે કહ્યું હતું કે આ મુદ્દે કૅનેડાની પોલીસ પકડાયેલા ત્રણ આરોપી વિશે શું માહિતી આપે છે એના માટે ભારત સરકાર રાહ જોશે. કૅનેડાની પોલીસે કહ્યું હતું કે નિજ્જરની હત્યાના કેસમાં તેમણે ૨૮ વર્ષના કરણપ્રીત સિંહ, ૨૨ વર્ષના કમલપ્રીત સિંહ અને ૨૨ વર્ષના કરણ બરાડની ધરપકડ કરી છે. આ ત્રણેયને અલ્બર્ટા રાજ્યના એડમોન્ટન શહેરમાંથી પકડવામાં આવ્યા છે અને તેમના પર હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
આ મુદ્દે બોલતાં ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરે કહ્યું હતું કે નિજ્જરની હત્યાના કેસના મુદ્દે કૅનેડાએ ત્રણ લોકોની ધરપકડ કરી હોવાના ન્યુઝ મેં વાંચ્યા છે અને એવું લાગે છે કે તે ભારતીય છે અને તેમનું બૅકગ્રાઉન્ડ ગૅન્ગ પ્રકારનું છે. આ મુદ્દે કૅનેડા પોલીસ શું કહે છે એના માટે આપણે રાહ જોવી જોઈએ. કૅનેડામાં જે થઈ રહ્યું છે એ તેમની આંતરિક રાજનીતિને કારણે છે અને એમાં ભારતને કોઈ લેવા-દેવા નથી. ખાલિસ્તાની સમર્થક લોકોનો એક વર્ગ કૅનેડાના લોકતંત્રનો ઉપયોગ કરી રહ્યો છે, એક લૉબી બનાવી રહ્યો છે અને એ વોટ બૅન્ક બની ગયો છે. કૅનેડામાં સત્તારૂઢ પાર્ટી પાસે બહુમતી નથી અને કેટલીક પાર્ટીઓ ખાલિસ્તાની સમર્થક નેતાઓ પર નિર્ભર છે. અમે કૅનેડાની સરકારને કેટલીય વાર એવા લોકોને વીઝા, કાનૂની સ્ટેટસ નહીં આપવા અપીલ કરી છે જે લોકો બન્ને દેશોના સંબંધો માટે સમસ્યા પેદા કરી રહ્યા છે, પણ કૅનેડાની સરકારે આ મુદ્દે કંઈ કર્યું નથી. કૅનેડા ક્યારેય પુરાવા પણ આપતી નથી. એમની પોલીસ-એજન્સીઓ આપણી તપાસ એજન્સીઓ સાથે સહયોગ કરતી નથી. કૅનેડા ભારત પર આરોપ લગાવે એ તેમની રાજકીય મજબૂરી છે. જેમ-જેમ કૅનેડામાં ચૂંટણી નજીક આવશે તેમ-તેમ ત્યાં વોટ-બૅન્કની રાજનીતિ વધતી જશે.
૪૫ વર્ષના હરદીપ સિંહ નિજ્જરની હત્યા ૨૦૨૩ના જૂનમાં કૅનેડાના વૅનકુંવર શહેરમાં એક ગુરદ્વારાની બહાર ગોળીઓ મારીને કરવામાં આવી હતી. નિજ્જર કૅનેડાનો નાગરિક હતો અને ખાલિસ્તાની ચળવળ ચલાવતો હતો. એના કેટલાક મહિના બાદ કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ હત્યામાં ભારત સરકારનો સહયોગ છે એવો આરોપ લગાવ્યો હતો.