26 July, 2025 02:28 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
એકતા કપૂર
ગઈ કાલે કેન્દ્ર સરકારે ઉલ્લુ, દેશીફ્લિક્સ અને એકતા કપૂરની ઑલ્ટબાલાજી સહિત બે ડઝનથી વધુ OTT પ્લૅટફૉર્મ્સ, ઍપ્લિકેશન્સ અને વેબસાઇટ્સને અશ્લીલ કન્ટેન્ટ માટે પ્રતિબંધિત કરી છે. એમાં સૌથી વધુ ચર્ચા એકતા કપૂરની ઑલ્ટબાલાજીની ચાલી છે, કારણ કે આ પ્લૅટફૉર્મ ૨૦૧૭માં લૉન્ચ થયું ત્યારથી સતત વિવાદોમાં રહ્યું છે એટલું જ નહીં, આ વિવાદો વચ્ચે ૨૦૨૦માં એકતા કપૂરને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત પણ કરવામાં આવી હતી. એકતા કપૂર પર આ વર્ષો દરમિયાન અશ્લીલતાને અને વાંધાજનક સેક્સ્યુઅલ કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાના આરોપ લાગતા રહ્યા છે.
ઑલ્ટબાલાજી સાથે વિવાદોની શરૂઆત ૨૦૧૫થી જ થઈ ગઈ હતી જ્યારે એકતા કપૂરે ઍક્ટર્સ સાથેના કૉન્ટ્રૅક્ટ્સમાં એવી લેખિત બાંયધરી લેવાનું શરૂ કર્યું હતું કે ઍક્ટર્સ બોલ્ડ સીન કરવાની ના નહીં પાડી શકે. આટલું ઓછું હોય એમ ઑલ્ટબાલાજી પરના એક્સ-એક્સ-એક્સઃ અનસેન્સર્ડ સીઝન-2ના એપિસોડ્સમાં એક ભારતીય જવાન અને તેના પરિવારને પરસ્પર ખૂબ જ વાંધાજનક જાતીય સંબંધો બાંધતા દર્શાવાયા હતા, જેના પરિણામે એકતા કપૂર સામે સૈન્યના જવાનના અપમાન માટે પોલીસકેસ પણ થયો છે.
અત્યાર સુધી એકથી વધારે સામાજિક સેવકો, સંસ્થાઓએ ઑલ્ટબાલાજીમાં બતાવાયેલા અયોગ્ય તેમ જ પરિવારના સભ્યો વચ્ચેના વાંધાજનક જાતીય સંબંધો સામે કોર્ટમાં અને પોલીસમાં અરજીઓ કરેલી છે. ઑલ્ટબાલાજીના એકથી વધુ શો પર બીજા શોનાં પોસ્ટર કૉપી કરવાના આરોપ લાગ્યા છે, જેને માટે માફી પણ માગવી પડી છે. આ ઉપરાંત આ પ્લૅટફૉર્મ પરના એક શો ‘ગંદી બાત’માં સગીર વયની બાળકીઓ સાથે વાંધાજનક સીન્સ બતાવવા માટે એકતા કપૂર સામે પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેકસ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટ હેઠળ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી.