સિકલ સેલ ક્ષેત્રે કામ કરનાર વિજ્ઞાની યઝદી ઇટાલિયાને પદ્‍મ પુરસ્કાર

26 January, 2024 08:33 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ ઉપરાંત દેશની પ્રથમ મહિલા મહાવત પાર્વતી બરુઆ સહિત ૩૪ જણનું નામ પદ્‍મ અવૉર્ડ માટે જાહેર

વૈજ્ઞાનિક યઝદી ઇટાલિયા

નવી દિલ્હી : પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ ગઈ કાલે ૩૪ વિભૂતિઓને પદ્‍મ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ગુજરાત સિકલ સેલના ક્ષેત્રે કામ કરનારા વૈજ્ઞાનિક યઝદી ઇટાલિયા અને દેશનાં પ્રથમ મહિલા મહાવત આસામનાં પાર્વતી બરુઆ તથા જાગેશ્વર યાદવનો સમાવેશ છે.સિકલ સેલ એનીમિયા કન્ટ્રોલ પ્રોગ્રામમાં યોગદાન આપવા બદલ ડૉ. યઝદી ઇટાલિયાને પદ્‍મશ્રી અવૉર્ડ મળ્યો છે. તેમણે ઇન્ડો-યુએસ એનબીએસ પ્રોજેક્ટ હેઠળ ઘણા આઇસીએમઆર સંશોધન પ્રોજેક્ટમાં કામ કર્યું છે. સિકલ સેલ એનીમિયા એ આદિવાસીઓમાં જોવા મળતો આનુવંશિક રોગ છે, જે કલર ફૉર્મ્યુલાની ઊણપથી થાય છે. જેને પરિણામે શારીરિક અને માનસિક પીડા થતી હોય છે.

આસામના ગૌરીપુરના રાજવી પરિવાર સાથે જોડાયેલાં પાર્વતી બરુઆને શરૂઆતથી જ પ્રાણીઓ પ્રત્યે વિશેષ પ્રેમ હતો, ખાસ કરીને હાથીઓથી. તેમનો આ પ્રેમ તેમના જીવનનું ધ્યેય બની ગયો અને તેમણે પોતાનું આખું જીવન પ્રાણીઓની સેવામાં સમર્પિત કરવાનું નક્કી કર્યું. 

છત્તીસગઢના જશપુરના આદિવાસી કલ્યાણ કાર્યકર જાગેશ્વર યાદવને સામાજિક કાર્યક્ષેત્રે પદ્‍મશ્રી આપવામાં આવશે. તેમણે પોતાનું જીવન હાંસિયામાં ધકેલાઈ ગયેલા બિરહોર પહાડી કોરવા લોકોના ઉત્થાન માટે સમર્પિત કર્યું હતું.

બીજા પદ્‍મ પુરસ્કાર વિજેતાઓમાં ચાર્મી મુર્મુ, સોમન્ના, સર્વેશ્વર, સાંગથામ સહિત અનેક મોટાં નામ છે. એ ઉપરાંત ગુરવિન્દર સિંહ (હરિયાણા), સત્યનારાયણ બલેરી (કેરળ), દુખુ માઝી (વેસ્ટ બેન્ગૉલ), કે. ચેલામલ (આંદામાન અને નિકોબાર), સંગાથંકીમા (મિઝોરમ) સહિતનાઓનો પણ સમાવેશ છે.

 

national news padma shri