21 September, 2023 03:38 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
નવી દિલ્હીમાં સંસદના સ્પેશ્યલ સેશન દરમ્યાન ગઈ કાલે લોકસભામાં ચર્ચા દરમ્યાન કૉન્ગ્રેસનાં એમપી સોનિયા ગાંધી (તસવીર : પી.ટી.આઇ.)
કૉન્ગ્રેસ સંસદીય પાર્ટીનાં ચીફ સોનિયા ગાંધીએ ગઈ કાલે મહિલા અનામત બિલને તેમની પાર્ટીનો સપોર્ટ જાહેર કર્યો હતો. જોકે તેમણે માગણી કરી હતી કે આ ક્વોટાનો તાત્કાલિક અમલ કરવામાં આવે અને ઓબીસી મહિલાઓના અનામત માટે જોગવાઈ સામેલ કરવામાં આવે.
લોકસભામાં વિરોધ પક્ષો તરફથી આ બિલ પરની ચર્ચાની શરૂઆત કરતાં સોનિયાએ જણાવ્યું હતું કે અનામતને લાગુ કરવામાં કોઈ પણ વિલંબ કરવો એ ભારતીય મહિલાઓની સાથે સદંતર અન્યાય રહેશે.
તેમણે કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસ આ બિલને સપોર્ટ આપે છે. આ બિલ પસાર થશે તો અમને ખુશી થશે, પરંતુ અમને એક ચિંતા પણ છે. હું એક સવાલ પૂછવા ઇચ્છું છું. છેલ્લાં ૧૩ વર્ષથી ભારતીય મહિલાઓ તેમની પૉલિટિકલ જવાબદારીઓ માટે રાહ જોઈ રહી છે અને હવે તેમને બીજાં કેટલાંક વર્ષ રાહ જોવા માટે કહેવામાં આવી રહ્યું છે. ભારતીય મહિલાઓની સાથે આવો વર્તાવ યોગ્ય છે?’
તેમણે જણાવ્યું હતું કે ‘ઇન્ડિયન નૅશનલ કૉન્ગ્રેસની ડિમાન્ડ છે કે આ બિલને તાત્કાલિક અમલમાં મૂકવામાં આવે, પરંતુ એની સાથે જ જાતિ આધારિત વસ્તીગણતરી કર્યા બાદ એસસી, એસટી અને ઓબીસી મહિલાઓના અનામત માટે જોગવાઈ કરવી જોઈએ.’
આપણી પાસે ૧૫ લાખ ચૂંટાયેલી મહિલા લીડર્સ
સોનિયાએ કહ્યું હતું કે ‘સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મહિલાઓની ભાગીદારી નક્કી કરવા માટે પહેલી વખત બંધારણીય સંશોધન મારા જીવનસાથી રાજીવ ગાંધીજી લાવ્યા હતા. જે રાજ્યસભામાં સાત વોટથી પસાર નહોતું થઈ શક્યું. બાદમાં વડા પ્રધાન પી. વી. નરસિંહા રાવના નેતૃત્વમાં કૉન્ગ્રેસ સરકારે જ એને પસાર કર્યું હતું. આજે એના જ પરિણામે સમગ્ર દેશમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દ્વારા આપણી પાસે ૧૫ લાખ ચૂંટાયેલી મહિલા લીડર્સ છે. રાજીવ ગાંધીજીનું સપનું હજી સુધી અડધું જ પૂરું થયું છે. આ બિલ પસાર થવાની સાથે જ એ સપનું પૂરું થઈ જશે.’