દલાઈ લામાના ઉત્તરાધિકારી કોણ હશે? તિબેટીયન આધ્યાત્મિક ગુરુએ તોડી ચુપકીદી

03 July, 2025 06:56 AM IST  |  Dharamshala | Gujarati Mid-day Online Correspondent

Dalai Lama on Successor: તિબેટીયન આધ્યાત્મિક ગુરુ દલાઈ લામાએ જાહેરાત કરી છે કે, દલાઈ લામાની સંસ્થા ભવિષ્યમાં પણ ચાલુ રહેશે; તેમણે સ્પષ્ટતા કરી કે ભાવિ દલાઈ લામાના પુનર્જન્મની ઓળખ માટે કોણ હશે જવાબદાર

ફાઇલ તસવીર

૬ જુલાઈના રોજ ૧૪મા દલાઈ લામા (Dalai Lama)ના ૯૦મા જન્મદિવસ નિમિત્તે ધર્મશાલા (Dharamshala)ના મેકલિયોડગંજ (McLeodganj)માં ત્રણ દિવસીય ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે, આ સમય દરમિયાન દલાઈ લામા તેમના ઉત્તરાધિકારીની જાહેરાત કરશે. ચીન (China) પણ આ જન્મદિવસની ઉજવણી પર નજર રાખી રહ્યું છે.

તિબેટીયન આધ્યાત્મિક નેતા દલાઈ લામાએ બુધવારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે અને સ્પષ્ટ કર્યું છે કે, દલાઈ લામાની સંસ્થા ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. તેમણે આ નિવેદન ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૧ના રોજ યોજાયેલી ઐતિહાસિક પરિષદના સંદર્ભમાં આપ્યું હતું. જેમાં તેમણે પહેલીવાર આ મુદ્દો ઉઠાવ્યો હતો કે, ભવિષ્યમાં દલાઈ લામાની પરંપરા (Dalai Lama on Successor) ચાલુ રાખવી જોઈએ કે નહીં.

દલાઈ લામાએ યાદ અપાવ્યું કે, તેમણે ૧૯૬૯માં જ કહ્યું હતું કે દલાઈ લામાના પુનર્જન્મની પરંપરા ચાલુ રાખવાનો નિર્ણય તિબેટી લોકો અને સંબંધિત લોકોએ લેવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે, જ્યારે તેઓ લગભગ 90 વર્ષના થશે ત્યારે તેઓ તિબેટીયન બૌદ્ધ પરંપરાના વરિષ્ઠ લામાઓ અને જનતા સાથે આ બાબતે ચર્ચા કરશે. જોકે આ બાબતની જાહેરમાં ચર્ચા થઈ નથી. છેલ્લા ૧૪ વર્ષોમાં તિબેટીયન સંસદ (Tibetan Parliament), સેન્ટ્રલ તિબેટીયન એડમિનિસ્ટ્રેશન (Central Tibetan Administration), ધાર્મિક સંસ્થાઓ, બિન-સરકારી સંસ્થાઓ અને વિવિધ દેશોના બૌદ્ધ અનુયાયીઓ, ખાસ કરીને તિબેટ (Tibet)માં રહેતા તિબેટીઓએ તેમને દલાઈ લામાની સંસ્થા ચાલુ રાખવા વિનંતી કરી છે.

આ વિનંતીઓનો સ્વીકાર કરીને, દલાઈ લામાએ બુધવારે મેકલિયોડગંજ સ્થિત તેમના નિવાસસ્થાને જાહેરાત કરી કે, દલાઈ લામાની પરંપરા ચાલુ રહેશે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, ભાવિ દલાઈ લામાના પુનર્જન્મની ઓળખ કરવાની જવાબદારી ફક્ત ગાડેન ફોદ્રાંગ ટ્રસ્ટ (Gaden Phodrang Trust)ની રહેશે, જે તેમના કાર્યાલય દ્વારા ચલાવવામાં આવે છે. આ પ્રક્રિયામાં, તિબેટીયન બૌદ્ધ પરંપરાઓના વડાઓ અને ધર્મ રક્ષકો સાથે સલાહ લેવામાં આવશે અને માન્યતાની પ્રક્રિયા પરંપરાગત રિવાજો અનુસાર કરવામાં આવશે. દલાઈ લામાએ પુનરોચ્ચાર કર્યો કે, અન્ય કોઈ સંસ્થા કે સરકારને આ બાબતમાં દખલ કરવાનો કોઈ અધિકાર નથી.

તમને જણાવી દઈએ કે, દલાઈ લામા તિબેટીયન બૌદ્ધ ધર્મના સૌથી અગ્રણી આધ્યાત્મિક નેતા છે, જેમને અવલોકિતેશ્વર (કરુણાના બોધિસત્વ)ના અવતાર માનવામાં આવે છે. તેમની પુનર્જન્મની પરંપરા સદીઓ જૂની છે, અને દરેક નવા દલાઈ લામાને ખાસ ધાર્મિક પ્રક્રિયાઓ હેઠળ શોધ અને માન્યતા આપવામાં આવે છે. ચીનની સરકારે પહેલાથી જ સંકેત આપ્યો છે કે તે પોતાની રીતે આગામી દલાઈ લામાની પસંદગી કરશે, જેને તિબેટી સમુદાય અને દલાઈ લામા દ્વારા સખત નકારી કાઢવામાં આવ્યો છે.

dalai lama dharamsala china national news news buddhism