કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત સ્થિર, EDએ ફરી પાઠવ્યા સમન્સ, જાણો વિગત

18 June, 2022 06:32 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

તેમને 23 જૂને પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું છે

ફાઇલ તસવીર

કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની હાલત સ્થિર છે અને તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે. દિલ્હી સ્થિત સર ગંગારામ હોસ્પિટલના સૂત્રોએ શનિવારે એક મીડિયા હાઉસને આ માહિતી આપી છે. સોનિયા ગાંધીને 2જી જૂને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. તેમને 12 જૂને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. કૉંગ્રેસ અનુસાર, હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ જાણવા મળ્યું કે તેમના શ્વસન માર્ગમાં ચેપ હજી પણ છે.

પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે શુક્રવારે જણાવ્યું હતું કે કૉંગ્રેસ અધ્યક્ષના નીચલા શ્વસન માર્ગમાં ફંગલ ઇન્ફેક્શન જોવા મળ્યું છે. તેમણે કહ્યું કે આ ચેપ અને કોવિડ-19 ચેપ પછીની ગૂંચવણોને ધ્યાનમાં રાખીને, તેમની સારવાર ચાલી રહી છે અને તે ડૉકટરોની નજીકની દેખરેખ હેઠળ છે.

બીજી તરફ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ નેશનલ હેરાલ્ડ સાથે સંબંધિત કથિત મની લોન્ડરિંગના કેસમાં સોનિયા ગાંધીને નવેસરથી સમન્સ પાઠવ્યા છે, તેમને 23 જૂને પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું છે. સોનિયા ગાંધીને પહેલા 8 જૂને હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ કોરોના વાયરસથી સંક્રમિત હોવાને કારણે તેમણે તપાસ એજન્સી સમક્ષ હાજર થવા માટે નવી તારીખ માગી હતી. તપાસ એજન્સી પહેલાથી જ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પૂછપરછ કરી રહી છે અને તેઓ સોમવારે ED સમક્ષ હાજર થશે.

રાહુલ પણ સોનિયા સાથે હોસ્પિટલમાં રોકાયો હતો

કૉંગ્રેસના સાંસદે ED તપાસ અધિકારીને પત્ર લખીને તપાસ મોકૂફ રાખવાની વિનંતી કરી હતી અને કહ્યું હતું કે તે તેની બીમાર માતા સોનિયા ગાંધી સાથે રહેવા માગે છે. આ પછી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ નેશનલ હેરાલ્ડ કેસની પૂછપરછ 18 જૂન સુધી મુલતવી રાખવાની કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની વિનંતી સ્વીકારી લીધી. આ રાહત મળ્યા બાદ આજે રાત્રે રાહુલ ગાંધીએ તેની માતા સોનિયા ગાંધી સાથે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં સમય પસાર કર્યો હતો.

national news rahul gandhi sonia gandhi