IT ટ્રિબ્યુનલે કોંગ્રેસને આપી રાહત, `ફ્રોઝન` બેંક ખાતાનો હવે કરી શકશે ઉપયોગ

16 February, 2024 02:41 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Congress Bank Account Froze : રાહુલ ગાંધીએ કહ્યું, સરમુખત્યારશાહી સામે ઝુકશે નહીં

રાહુલ ગાંધીની ફાઇલ તસવીર

કોંગ્રેસ (Congress)એ આજે આક્ષેપ કર્યો હતો કે આવકવેરા વિભાગ (Income Tax Department) દ્વારા કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના ખાતાઓ સીઝ (Congress Bank Account Froze) કરી દેવામાં આવ્યા છે. હવે સમાચાર આવ્યા છે કે, તેમને ખાતાઓ ઓપરેટ કરવા માટે આવકવેરા એપેલેટ ટ્રિબ્યુનલ (Income Tax Appellate Tribunal) પાસેથી પરવાનગી મળી ગઈ છે. આ મામલામાં વચગાળાની રાહત પર સુનાવણી બુધવારે થશે.

આજે કોંગ્રેસ પાર્ટી અને યુથ કોંગ્રેસ પાર્ટી (Youth Congress Party)ના અનેક બેંક ખાતાઓ ફ્રીઝ (Congress Bank Account Froze) કરવામાં આવ્યા હતા. જેને લઈને કોંગ્રેસના કોષાધ્યક્ષ અજય માકન (Ajay Maken)એ પત્રકાર પરિષદ દરમિયાન કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ભારતમાં લોકશાહી સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ છે. ગઈ કાલના આગલા દિવસે એવી માહિતી મળી હતી કે કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા ચેકમાંથી બેંકો પૈસા આપી રહી નથી. મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસનું ખાતું તાળું મારવામાં આવ્યું છે. ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે. અજય માકને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કર્યું, ‘અમારી અરજી પર, આવકવેરા વિભાગ અને આવકવેરા એપેલેટ ટ્રિબ્યુનલે કહ્યું છે કે અમારે એ સુનિશ્ચિત કરવું પડશે કે ૧૧૫ કરોડ રૂપિયા બેંક ખાતામાં રાખવામાં આવે… અમે તેનાથી વધુ રકમ પણ ખર્ચી શકીએ છીએ. મતલબ કે ૧૧૫ કરોડ રૂપિયા ફ્રીઝ કરવામાં આવ્યા છે. ૧૧૫ કરોડની આ રકમ આપણા ચાલુ ખાતા કરતા ઘણી વધારે છે.’

તે જ સમયે, પૂર્વ રાજ્યસભા સભ્ય વિવેક ટંખા (Vivek Tankha)એ ટ્વિટ કર્યું છે. પોતાના ટ્વીટમાં તેણે લખ્યું છે કે, INC India હવે IT વિભાગના પૂર્વાધિકાર સાથે તેના ખાતાઓ ઓપરેટ કરી શકે છે. આ સૂચનાઓ માનનીય ITAT દિલ્હી દ્વારા આપવામાં આવી છે. તેમણે આગળ લખ્યું કે, વચગાળાની રાહત માટેની અરજી બુધવારે સાંભળવામાં આવશે.

કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, ‘મોદીજી ડરશો નહીં, કોંગ્રેસ પૈસાની શક્તિનું નામ નથી, પરંતુ લોકોની શક્તિનું નામ છે. અમે ક્યારેય સરમુખત્યારશાહી સામે ઝૂક્યા નથી અને ક્યારેય ઝૂકીશું પણ નહીં. ભારતના લોકતંત્રની રક્ષા માટે કોંગ્રેસનો દરેક કાર્યકર જાનથી લડશે.’

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)એ કહ્યું કે, ‘સત્તાના નશામાં ધૂત મોદી સરકારે લોકસભા ચૂંટણી પહેલા જ દેશની સૌથી મોટી વિપક્ષી પાર્ટી કોંગ્રેસના ખાતા ફ્રીઝ કરી દીધા છે. આ લોકશાહી પર મોટો હુમલો છે.’ તેમણે આરોપ લગાવ્યો હતો કે, ‘ગેરબંધારણીય રીતે એકત્રિત કરાયેલા પૈસાનો ઉપયોગ ભાજપની ચૂંટણીમાં કરવામાં આવી રહ્યો છે, તેથી જ મેં કહ્યું છે કે ભવિષ્યમાં ચૂંટણી નહીં થાય. તેથી અમે ન્યાયતંત્રને લોકતંત્રની રક્ષા કરવા અપીલ કરી છે. અમે રસ્તા પર ઉતરીશું અને આ જુલમ સામે જોરદાર લડત આપીશું.’

congress rahul gandhi mallikarjun kharge income tax department national news