31 August, 2026 09:31 AM IST | Himalaya | Ruchita Shah
પ્રતીકાત્મક તસવીર
ડિટ્ટો તો નહીં પરંતુ હિમાલયની નાજુક સ્થિતિ અને બ્રહ્મપુત્ર નદી પાસે ચીન દ્વારા બની રહેલો હાઇડ્રો પાવર પ્રોજેક્ટ ભવિષ્યમાં નેપાલ કરતાં પણ વધુ ખતરનાક કુદરતી હોનારત સર્જવા માટે સમર્થ છે જેમાં આપણાં નૉર્થ ઈસ્ટનાં રાજ્યો આખેઆખાં વહી જાય એવી સંભાવનાઓ પ્રબળ છે. આ સંદર્ભે વૈશ્વિક સ્તરે જાણીતા ભૂકંપશાસ્ત્રી ડૉ. એસ. કે. અરોરા સાથે મિડ-ડેએ કરેલી વિસ્તારપૂર્વકની ચર્ચા પ્રસ્તુત છે
૨૬ ઑગસ્ટે એકાએક નેપાલમાં આવેલી કુદરતી હોનારતે આખા વિશ્વને અચંબાપૂર્ણ આઘાતમાં મૂકી દીધું છે. દુનિયાભરના ભૂસ્તરવિજ્ઞાનીઓ માટે આ ઘટના કલ્પનાતીત હતી અને એટલે જ આવું જો નેપાલમાં થયું તો ભારતમાં થઈ શકે એ મુદ્દો પણ ચર્ચાનો વિષય બન્યો છે. સ્વાભાવિકપણે હિમાલયમાં પહાડી ખડક અને ગ્લેશિયર નદીમાં ધસી પડે અને એને કારણે ૫.૨ની તીવ્રતાના ભૂકંપ સમાન પ્રચંડ જળપ્રલય આવે જેમાં ૬૭૫થી વધુ લોકોનાં મોત થાય, ૩૦૦૦થી વધુ લોકો લાપતા હોય, પદંરથી ૨૦ જેટલાં નદીકાંઠાનાં ગામડાંઓ અને ચેકપોસ્ટ્સ સંપૂર્ણપણે કાંપ અને કાદવમાં ગરકાવ થઈને નેસ્તનાબૂદ થઈ જાય અને લગભગ એક લાખ જેટલા લોકો ઘરબાર અને પરિવારવિહોણા રઝળતા થઈ જાય એ ઘટના નાની નથી. લગભગ ૪૫ સેકન્ડની અંદર બધું જ જળસમાધિમાં સમાપ્ત થાય એ ઘટનાનું પુનરાવર્તન થાય કોઈ પણ દેશમાં એ કલ્પના પણ હચમચાવનારી છે. જોકે અત્યારના સંજોગો જોતાં ભારતમાં પણ આવી મોટી કુદરતી આફત આવે એવી સંભાવનાઓ વારંવાર જતાવવામાં આવી છે. ભૂતકાળમાં આવી આફતો આવી છે અને કોઈ પણ ક્ષણે ટાઇમ-બૉમ્બની જેમ પેટાળના સંઘર્ષ અને માનવસર્જિત ડેવલપમેન્ટના ઘાને સહેતા હિમાલયમાં આવી હોનારતો સર્જાવાની સંભાવનાઓ પ્રબળ છે ત્યારે વૈશ્વિક સ્તરે જાણીતા ભૂકંપશાસ્ત્રી અને ફીલ્ડ ઑફ સિસ્મોલૉજી રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટનું કામ કરતા સિનિયર સાયન્ટિસ્ટ ડૉ. સનત કુમાર અરોરા સાથે ‘મિડ-ડે’એ કરેલી વિસ્તારપૂર્વકની ચર્ચા પ્રસ્તુત છે.
બહુ જ ગંભીર સ્થિતિ
મુખ્ય પ્રશ્ન એ છે કે નેપાલમાં જે બન્યું એવું ભારતમાં પણ બની શકે? એના જવાબમાં ડૉ. સનત કુમાર અરોરા કહે છે, ‘એકદમ ડિટ્ટો એવું બને એવી સંભાવના નથી કારણ કે નેપાલ કરતાં ભારતની ભૌગોલિક સ્થિતિ જુદી છે. આપણે ત્યાં ઊંચાઈ પર ગ્લેશિયર નથી જે પડે અને આવી કોઈ ઘટના બને; પરંતુ હા, ભૂકંપ અને હેવી વરસાદને કારણે પૂર આવવાની સંભાવના બહુ જ મોટી છે. એમાં પણ અત્યારે એક બહુ જ ચિંતા ઊપજાવે એવી બાબત છે ચીન દ્વારા બ્રહ્મપુત્ર નદીના ઉપરના ભાગમાં બની રહેલો હાઇડ્રો પાવર પ્રોજેક્ટ.’
આ પ્રોજેક્ટ કઈ રીતે જોખમી છે એ જાણતાં પહેલાં આ પ્રોજેક્ટ વિશે જાણવું જરૂરી છે. ચીન દ્વારા તિબેટમાં ખૂબ જ તીવ્ર પ્રવાહ ધરાવતી બ્રહ્મપુત્ર નદી જે ચીનમાં યારલુંગ ઝાંગબો તરીકે ઓળખાય છે ત્યાં તિબેટની મેડોગ કાઉન્ટીમાં ભારતની અરુણાચલ પ્રદેશ સરહદથી માત્ર ૩૦થી ૪૦ કિલોમીટર દૂર આવેલા આસામની સીમા પાસેના ક્ષેત્રમાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટ હેઠળ ડૅમ બનાવવામાં આવી રહ્યો છે. કરોડો રૂપિયાના રોકાણ સાથે બની રહેલા આ પ્રોજેક્ટથી ૬૦,૦૦૦ મેગાવૉટ વીજ-ઉત્પાદન સાથે એ વિશ્વનો સૌથી મોટો હાઇડ્રો-ઇલેક્ટ્રિક પાવરપ્લાન્ટ બનશે. આ ડૅમ બનાવવાની શરૂઆત જુલાઈ ૨૦૨૫માં થઈ છે અને એ ૨૦૩૩ સુધીમાં પૂરો થવાની ધારણા છે. ડૉ. અરોરા કહે છે, ‘ભારત માટે આ પ્રોજેક્ટ વૉટર-બૉમ્બ જેવો છે. ચીન ધારે ત્યારે એના આધારે કૃત્રિમ રીતે વિનાશક પૂર લાવી શકે અને આસામ, અરુણાચલ પ્રદેશ પાણીમાં ગરકાવ થઈ શકે. આ જ કારણથી ભારત સરકારે ઑફિશ્યલી એનો વિરોધ કર્યો છે. દુકાળથી લઈને પાણીની અછત ઊભી કરવામાં પણ નિમિત્ત બની શકનારો આ પ્રોજેક્ટ કુદરતી આપદાની દૃષ્ટિએ પણ ખૂબ સંવેદનશીલ છે જે નેપાલથી પણ ભારતની બદતર સ્થિતિ કરી શકે.’
કલ્પનાતીત તબાહીની સંભાવનાઓ
હિમાલય ક્ષેત્ર એ ભૂકંપશાસ્ત્રની દૃષ્ટિએ ઝોન-ફાઇવ એટલે કે અતિ સંવેદનશીલમાં આવે છે. ડૉ. અરોરા કહે છે, ‘ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટોના ટકરાવના સ્થળ પર આટલો મોટો ડૅમ અને કરોડો ટન પાણીનો સંગ્રહ કરવાથી રિઝર્વોયર ઇન્ડ્યુસ્ડ સિસ્મિસિટી એટલે કે ડૅમના વજનથી ભૂકંપ આવવાનું જોખમ વધી શકે છે. જો ક્યારેક આ વિસ્તારમાં મોટો ભૂકંપ આવે અને ડૅમ તૂટે તો એ ભારત અને બંગલાદેશ માટે કલ્પના બહારની તબાહી લાવશે. બીજી બાજુ ચીન દ્વારા આડેધડ હિમાલયના આ પટ્ટામાં ટનલો ખોદવાનું, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામે બિલ્ડિંગો બનાવવાનું કામ હિમાલયની પ્રાકૃતિક સિસ્ટમને ડિસ્ટર્બ કરવા જેવું છે. હિમાલયમાં જે સ્તરે કન્સ્ટ્રક્શન થયું છે એણે એને વધુ અનસ્ટેબલ કર્યો છે. જેમ કે માણસના મોઢામાં દાંતનું માળખું હોય એમાંથી જો એકાદ દાંત પડે એટલે અંદરનું કુદરતી જોડાણ નબળું પડે અને ધીમે-ધીમે બધા જ દાંતનાં મૂળિયાં ઢીલાં પડતાં જાય. તમે એક જગ્યાએ હિમાલયની જમીનમાં કોઈ પ્રોજેક્ટ માટે બાકોરું પાડો તો એ એની આજુબાજુની જમીનને પણ વીક કરી દે છે. હિમાલય આમ પણ ફ્રેજાઇલ એટલે કે નાજુક છે. એમાં પહાડોને કાપવાનું ભૂકંપની સંભાવના વધારી શકે છે. અત્યારે હિમાલયના મૂળ સ્ટ્રક્ચરને ડિસ્ટર્બ કરવાનું જે કામ ચાલી રહ્યું છે એનું પરિણામ ગંભીર જ આવવાનું છે એમાં બેમત નથી. તમે પ્રકૃતિ સાથે છેડછાડ કરો એમાં પણ તમને જ્યારે ખબર છે કે હિમાલય નાજુક છે ત્યારે તો એની સંવેદનશીલતાને નજરઅંદાજ કરો તો ભૂલ કોની? એ પ્રોજેક્ટને કારણે બંગલાદેશ અને ભારતનું આખું નૉર્થ ઈસ્ટ જળસમાધિ લઈ શકે એવી મોટી હોનારત આવી શકે.’
ઉલ્લેખનીય છે કે ચીનની સરકારે ભારત સરકારની રજૂઆતને મચક નથી આપી એને પગલે ચીનના આ ડૅમના જવાબમાં ભારતે અરુણાચલ પ્રદેશની સિયાંગ નદી પર ૧૧,૦૦૦ મેગાવૉટનો અપર સિયાંગ મલ્ટિ-પર્પઝ પ્રોજેક્ટ બનાવવાનું આયોજન કર્યું છે જેથી ચીન તરફથી આવતા પૂરના પાણીને સ્ટોર કરી શકાય.
સમજતું કેમ નથી કોઈ?
વૈજ્ઞાનિકો દ્વારા દાયકાઓથી હિમાલય ક્ષેત્રમાં થઈ રહેલાં વિકાસકાર્યોનો વિરોધ થઈ રહ્યો છે, પરંતુ એ દિશામાં કોઈ નક્કર પરિણામ નથી આવ્યું. ૨૦૨૩માં ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન ધસી પડવાની ઘટના ઘટી હતી. શહેરના ૯ મુખ્ય વૉર્ડમાંથી ૮૬૭થી વધુ મકાનો, પ્રસિદ્ધ હોટેલો અને માર્ગો પર વિશાળ તિરાડો પડી ગઈ. સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક જોશીમઠને આપત્તિગ્રસ્ત વિસ્તાર જાહેર કરીને ૮૬૦થી વધુ પરિવારોને પોતાનાં ઘરો ખાલી કરાવીને અસ્થાયી રાહતશિબિરોમાં ખસેડવાની ફરજ પડી હતી. કેદારનાથનું પૂર તો જગજાહેર છે જ. ડૉ. અરોરા કહે છે, ‘કાશ્મીરથી લઈને બર્મા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશનો આખો એરિયા, નેપાલ સહિતનો લગભગ ૩૦૦૦ કિલોમીટરનો બેલ્ટ અર્થક્વેક પ્રોન છે. ૧૯૯૯માં ચમોલીમાં આઠથી વધુ મૅગ્નિટ્યુડનો ભૂકંપ આવેલો, જેણે એ સમયે ખૂબ મોટું નુકસાન કરેલું. આખો હિમાલય સ્ટ્રક્ચરલી જ અનસ્ટેબલ છે. અવારનવાર ત્યાં લૅન્ડસ્લાઇડિંગ થાય છે. એમાં આપણે મકાનો અને બિલ્ડિંગો બનાવવા પહાડ કાપીને અસ્થિર વિસ્તારને વધુ અસ્થિર બનાવ્યો છે. ઉત્તરાખંડમાં છેલ્લાં ૧૦૦-૧૫૦ વર્ષમાં ૪ મેજર અર્થક્વેક થયા છે.’
હિમાલય છે સૌથી યુવાન પર્વત
ઉલ્લેખનીય છે કે આ ધરતી પર સૌથી યુવાન પર્વત કોઈ હોય તો એ છે હિમાલય. આ પર્વત નહીં પણ ગિરિમાળા છે. એશિયા અને યુરોપની ધરતીના પેટાળમાં રહેલી પ્લેટની અંદરુની હિલચાલને કારણે છેક ૧૯૮૧થી હિમાલય દર વર્ષે બે સેન્ટિમીટર જેટલો ઊંચકાઈ રહ્યો છે. આ હિમાલયની ગિરિમાળા માત્ર ૫૦ કરોડ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવી છે. ૫૦ કરોડ વર્ષ પહેલાં ભારત અને તિબેટ વચ્ચે દરિયો હતો અને એ ગાળામાં ત્યાં એટલો જોરદાર ધરતીકંપ થયો હશે કે સમુદ્રની અંદરની જમીન ઉપર ધસી આવી અને સમુદ્ર પેટાળમાં જતો રહ્યો. હિમાલયના ખડકો કાચા છે અને વધુ લોડ સહી શકે એવા નથી એટલે ભૂગોળશાસ્ત્રીઓ અને ભૂકંપશાસ્ત્રીઓને સતત એ ભય હોય છે કે કોઈ પણ સમયે અહીં ઊંચી તીવ્રતાનો ભૂકંપ આવ્યો તો અડધોઅડધ એશિયા ખંડ નષ્ટ થઈ જશે. કોઈ પણ ક્ષણ એવી હોઈ શકે જ્યારે ભૂકંપનો મોટો આંચકો આપણાં ચારેય ધામને પૃથ્વીના પેટાળમાં ગરકાવ કરી શકે છે. હજીયે ડેવલપમેન્ટ પર બ્રેક મારીને ત્યાંનો લોડ ઘટાડવાની દિશામાં કામ થાય તો સારું, નહીં તો ભવિષ્ય ધૂંધળું છે.