08 September, 2025 11:40 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
કેન્દ્ર સરકારે ગુડ્સ ઍન્ડ સર્વિવિસ ટૅક્સ (GST)માં ઘટાડો કર્યો છે એની સાથે સામાન્ય પરિવારોને વર્ષે આશરે ૪૦,૦૦૦ રૂપિયાનો ફાયદો થાય એવી શક્યતા છે. કેટલીક વસ્તુઓ પર GSTનો દર ઘટાડવામાં આવ્યો છે અને ઘણી વસ્તુઓને તો GSTમુક્ત કરવામાં આવી છે.
આ મુદ્દે નિષ્ણાતોનું કહેવું છે કે GST કાઉન્સિલે ખાવા-પીવાની અને રોજિંદા વપરાશમાં લેવામાં આવતી ચીજો પર સૌથી વધારે રાહત આપી છે. આશરે ૩૦૦ ચીજવસ્તુઓને પાંચ ટકાના દરમાં લાવવામાં આવી છે, જેના પર પહેલાં ૧૨ અને ૧૮ ટકા GST દર લાગતો હતો. બાવીસમી સપ્ટેમ્બરથી નવા દર લાગુ થતાં પરિવારોને મહિને ૧૮૦૦ અને વર્ષે આશરે ૪૦,૦૦૦ રૂપિયાની બચત થશે.
સાબુ, શૅમ્પૂ, ટૂથપેસ્ટ, પાઉડર, ડાઇપર, માચિસ, રસોઈનાં વાસણો અને અન્ય ઘરવપરાશની વસ્તુઓ પર પાંચ ટકા GST દર રાખવામાં આવ્યો છે જે પહેલાં ૧૨ અને ૧૮ ટકા હતો. અનાજ, દાળ, ચોખા જેવી ખાદ્ય પદાર્થની વસ્તુઓ પહેલાં પાંચ કે ૧૨ ટકા દર હેઠળ હતી જે હવે GSTમુક્ત છે અથવા પાંચ ટકા હેઠળ મૂકવામાં આવી છે.
નાની કાર પર GST ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવ્યો છે. આમ ૮ લાખ રૂપિયા સુધીની કાર પર ૨૮ ટકા GSTના હિસાબે ૨,૨૪,૦૦૦ રૂપિયા ચૂકવવા પડતા હતા, પણ હવે ૧૮ ટકા GSTના હિસાબે ૧,૪૪,૦૦૦ રૂપિયા ચૂકવવા પડશે. આમ ૮૦,૦૦૦ રૂપિયાની વધારાની બચત થશે. પેન્સિલ, રબર, બુક્સ, નોટબુક સહિતની ઘણી વસ્તુઓ GSTમુક્ત થઈ છે, માત્ર જ્યોમેટ્રી અને કલર-બૉક્સ પર પાંચ ટકા GST લાગશે.