20 October, 2023 10:00 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ડિજિટલ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને કરવામાં આવતા ફાઇનૅન્શિયલ ફ્રૉડના પાંચ અલગ-અલગ કેસ નોંધાયા બાદ ઑપરેશન ચક્ર-૨ હેઠળ સીબીઆઇએ સમગ્ર દેશમાં ૭૬ સ્થળોએ સર્ચ કરી હતી. અધિકારીઓએ ગઈ કાલે જણાવ્યું હતું કે એક કેસ ક્રિપ્ટોકરન્સી ફ્રૉડ દ્વારા ભારતીય નાગરિકોની સાથે ૧૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડીનો છે.
ફાઇનૅન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા પૂરા પાડવામાં આવેલા ઇનપુટ્સને આધારે આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
ઍમેઝૉન અને માઇક્રોસૉફ્ટની એક ફરિયાદને આધારે બે કેસ દાખલ કરવામાં આવ્યા હતા. આ ફરિયાદમાં જણાવાયું હતું કે આરોપીઓ કૉલ-સેન્ટર્સ ચલાવે છે અને આ કંપનીઓના ટેક્નિકલ સપોર્ટની ખોટી ઓળખ આપીને ફૉરેનના નાગરિકોને ટાર્ગેટ કરી રહ્યા છે. આ ઑપરેશન હેઠળ સીબીઆઇ દ્વારા નવ કૉલ-સેન્ટર્સની તપાસ કરવામાં આવી હતી.
હિમાચલ પ્રદેશના ૧૦૦૦ પોલીસ ક્રિપ્ટોકરન્સી ફ્રૉડનો ભોગ બન્યા
હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ઠગબાજો દ્વારા ક્રીએટ કરવામાં આવેલી એક ફેક લોકલ ક્રિપ્ટોકરન્સીનો એક હજારથી વધુ પોલીસ ભોગ બન્યા હતા. આ ફેક ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરનારા મોટા ભાગના પોલીસ-અધિકારીઓની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ હતી, પરંતુ એમાંથી કેટલાકે ખૂબ જ પ્રૉફિટ કર્યો. તેઓ આ સ્કીમના પ્રમોટર્સ બન્યા હતા અને એના માટે વધુ ઇન્વેસ્ટર્સને લાવ્યા હતા. આ કૌભાંડની તપાસ કરવા માટે રચવામાં આવેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમના અધિકારીઓએ આ વાત જણાવી હતી. પોલીસ અનુસાર આ ક્રિપ્ટોકરન્સી ફ્રૉડમાં ઠગબાજો દ્વારા ઓછામાં ઓછા એક લાખ લોકોની સાથે છેતરપિંડી થઈ છે. અઢી લાખ આઇડી મળી આવ્યાં છે, જેમાં એક જ વ્યક્તિનાં અનેક આઇડી પણ સામેલ છે. ઝડપી રિટર્ન્સ મેળવવાની કોશિશમાં પોલીસ સિવાય ટીચર્સ પણ ભોગ બન્યા હતા.