27 June, 2025 06:59 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
લખનઉમાં દીકરાની ઉપલબ્ધિ પર ઇમોશનલ થઈ ગયેલાં શુભાંશુ શુક્લાનાં મમ્મી-પપ્પા.
ઍક્સિઓમ-4 મિશનના અવકાશયાત્રી કૅપ્ટન શુભાંશુ શુક્લાના પરિવારમાં ખુશીનો માહોલ છે. શુભાંશુ શુક્લાના પિતા શંભુનાથ શુક્લા નિવૃત્ત સરકારી અધિકારી છે, ત્યારે મમ્મી આશા ગૃહિણી છે. લખનઉમાં રહેતા પરિવારે તેમના પુત્રની સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે શુભાંશુ શુક્લાની સફળતા પાછળ તેની પત્ની ડૉ. કામના મિશ્રાનો મોટો હાથ છે. ડૉ. કામના મિશ્રા ડેન્ટિસ્ટ છે. શુભાંશુ અને કામના સ્કૂલ-ટાઇમથી જ ફ્રેન્ડ્સ હતાં અને તેમની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ અને પછી તેમનાં લગ્ન થયાં હતાં.
આ મુદ્દે મમ્મી આશા શુક્લાએ કહ્યું હતું કે ‘આ અમારા માટે અને દરેક માટે ગર્વની ક્ષણ છે. દરેક જગ્યાએ પોસ્ટર લગાડવામાં આવી રહ્યાં છે. દરેક વ્યક્તિ ખુશ છે કે આ દેશનો, લખનઉના ત્રિવેણીનગરનો એક છોકરો આટલી ઊંચાઈએ પહોંચવા જઈ રહ્યો છે. અમે તેને અમારી શુભેચ્છાઓ અને આશીર્વાદ મોકલી રહ્યાં છીએ. તેને અમારી પુત્રવધૂનો સંપૂર્ણ ટેકો છે. તેના વિના આ શક્ય ન હોત. તેણે અહીં સૌથી મોટી ભૂમિકા ભજવી છે. પુત્રવધૂએ હંમેશાં શુભાંશુનું મનોબળ ઊંચું રાખ્યું હતું.’
બીજી તરફ શુભાંશુના પપ્પાએ કહ્યું હતું કે ‘હું મારા બાળકને શુભકામનાઓ પાઠવું છું. આજે મારું બાળક એક મિશન પર જઈ રહ્યું છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તે જે મિશન સાથે જઈ રહ્યો છે એ પૂર્ણ થાય. મને પૂર્ણ વિશ્વાસ છે કે મારા પુત્રનું મિશન ચોક્કસ પૂર્ણ થશે.’
બહેનોની ખુશીનો કોઈ પાર નથી
શુભાંશુની બહેન શુચિ મિશ્રાએ પણ તેમના ભાઈની સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘હું ખૂબ ખુશ છું. અમે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છીએ કે તે જે મિશન પર ચાલી રહ્યો છે એમાં તેને સફળતા મળે. અમને વિશ્વાસ છે કે તે આ મિશનમાં ચોક્કસ સફળ થશે. તેણે અહીં સુધી પહોંચવા માટે ખૂબ મહેનત કરી છે.’ બીજી બહેન નિધિ મિશ્રાએ પણ ભાઈની સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેણે આ દેશના યુવાનો માટે એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે. આ દેશના યુવાનોએ તેની પાસેથી શીખવું જોઈએ.