07 January, 2022 03:05 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
બુલી બાય એપ કેસ (Bully Bai App Case)માં દરરોજ નવા કઈંક વળાંક આવતા જાય છે. તેવામાં દિલ્હી પોલીસ (Delhi Police)ના હાથે ઝડપાયેલા કોમ્પ્યુટર એન્જિનિયરિંગના વિદ્યાર્થી નીરજ બિશ્નોઈએ મુંબઈ પોલીસ દ્વારા કરાયેલી ધરપકડ માટે પોલીસની મજાક ઉડાવી છે અને ખુલ્લો પડકાર ફેંક્યો છે. આરોપીએ ટ્વિટ કરીને મુંબઈ પોલીસને `સ્લમ બાય પોલીસ` ગણાવી અને ખોટા લોકોની ધરપકડ કરવાની વાત કરી છે.
આરોપીએ ટ્વિટર પર સ્વીકાર્યું કે તેણે બુલી બાય એપ બનાવી છે, મુંબઈ પોલીસે નિર્દોષ લોકોને જલ્દી છૂટા કરી દેવા જોઈએ. પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે તેણે નવેમ્બરમાં જ બુલી બાય એપ બનાવી હતી, પરંતુ ડિસેમ્બરમાં તેને અપડેટ કરી અને મુસ્લિમ મહિલાઓની તસવીરો પોસ્ટ કરી હતી. આરોપીએ આવું કૃત્ય શા માટે કર્યું અને આ ષડયંત્રમાં અન્ય કોણ કોણ સામેલ છે તેની તપાસ કરવામાં આવી રહી છે.
આ અંગે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે મૂળ રાજસ્થાનના નીરજનો પરિવાર આસામના જોરહાટમાં રહે છે. તેમના પિતા દશરથ બિશ્નોઈ બિઝનેસના સંબંધમાં આસામ શિફ્ટ થઈ ગયા હતા. હવે તેના પરિવારમાં માતા અને બે બહેનો છે. કોવિડ સમયગાળા દરમિયાન નીરજે એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવ્યો હતો.
એડમિશન બાદ કોવિડને કારણે તેની કોલેજ ખુલી ન હતી. તે ઘરેથી જ ભણતો હતો. નીરજના પરિવારે આરોપીના આવા કોઈપણ કૃત્યનો ઈન્કાર કર્યો છે. પરિવારનું કહેવું છે કે થોડા સમય પહેલા નીરજ એક લગ્ન માટે રાજસ્થાન ગયો હતો. ત્યાંથી તે 25 ડિસેમ્બરે દિલ્હી થઈને પરત ફર્યો હતો.
નીરજે ખુલાસો કર્યો છે કે તેણે એપ દ્વારા બુલીને પ્રમોટ કરવા માટે ટ્વિટર હેન્ડલ બનાવ્યું છે. આ પછી, 31 ડિસેમ્બરે બીજું હેન્ડલ બનાવવામાં આવ્યું અને ટ્વિટ કરવાનું શરૂ કર્યું. જ્યારે આ મામલો ચર્ચામાં આવ્યો ત્યારે નીરજ સતત સમાચાર પર નજર રાખી રહ્યો હતો. મુંબઈ પોલીસની ધરપકડ બાદ આરોપીએ ટ્વિટ કરીને મુંબઈ પોલીસને ટોણો માર્યો હતો.