02 August, 2025 07:51 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રવિ કિશન
લોકસભામાં BJPના સંસદસભ્ય રવિ કિશને સંસદમાં ગઈ કાલે ચર્ચામાં ભાગ લીધો હતો અને એક વિચિત્ર માગણી મૂકી હતી. રવિ કિશને મૂકેલા પ્રસ્તાવમાં એવી માગણી કરી હતી કે દેશમાં સમોસાની સાઇઝ અને ભાવ ક્યાંક સમાન નથી, બધે અલગ-અલગ છે એટલે આ માટે કાયદો બનવો જોઈએ. રવિ કિશનની આ માગણીનો વિડિયો વાઇરલ થતાં સોશ્યલ મીડિયા પર લોકોએ જાતજાતની કમેન્ટ્સ કરી હતી. કેટલાક નેટિઝન્સે તો તેમને સમોસા મિનિસ્ટર કહ્યા હતા.
અલબત્ત, રવિ કિશન હકીકતમાં એવો મુદ્દો મૂકી રહ્યા હતા કે સમગ્ર દેશની હોટેલો અને ફૂડકોર્ટ્સમાં વાનગીઓના ભાવ લખેલા હોય છે, પણ ત્યાં જનારા ગ્રાહકને વાનગીની ગુણવત્તા વિશે કશી ખબર હોતી નથી એને કારણે ગૂંચવાડો સર્જાય છે અને ખોરાકનો બગાડ પણ થાય છે એટલે એવા કાયદાની ખૂબ જરૂર છે જે દેશની તમામ હોટેલોમાં મેનુમાં વાનગીની કિંમત સાથે ગુણવત્તા વિશે પણ માહિતી આપે. તેમણે સમોસા અને વડાપાંવનાં ઉદાહરણો આપ્યાં હતાં અને કહ્યું હતું કે અમુક જગ્યાએ એકદમ નાનું સમોસું પણ ખૂબ મોંઘું હોય છે અને અમુક જગ્યાએ ઘણું મોટું સમોસું સસ્તું હોય છે. તેમના આ નિવેદનને કારણે તે ચર્ચામાં આવી ગયા હતા.