ઝારખંડ ઇસ્લામિક સ્ટેટ બની રહ્યાનો બીજેપીના નેતાનો દાવો

09 August, 2022 09:20 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સ્કૂલમાં વીકલી ઑફ રવિવારને બદલે શુક્રવાર કરવાની ઘટનાની તપાસ કરવાની કરી માગ

પ્રતીકાત્મક તસવીર

ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય નિશિકાંત દુબેએ ઝારખંડ ઇસ્લામિક રાજ્ય બની રહ્યું હોવાનો દાવો કરતાં કહ્યું હતું કે સ્કૂલના નામમાં ઉર્દૂ શબ્દ ધરાવતી લગભગ ૧૮૦૦ જેટલી સ્કૂલોમાં અઠવાડિક રજા રવિવારથી બદલીને શુક્રવાર કર્યો હોવાનું જણાવ્યું હતું. આ સમગ્ર ઘટનાને એક કાવતરું ગણાવતાં આ બાબતે આતંકવાદ વિરોધી નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ તપાસની માગણી કરી હતી. જોકે અઠવાડિક રજા બદલવા સામે ભારે વિરોધ ઊઠતાં ઘણી સ્કૂલોમાં ફરીથી રવિવારની રજા જાહેર કરવામાં આવી હતી.

નિશિકાંત દુબેએ આ કાવતરામાં કૉન્ગ્રેસ અને શાસક ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)નો હાથ હોવાનો આક્ષેપ કર્યો હતો. બીજેપીના સંસદસભ્યે પાર્લમેન્ટમાં આ મુદ્દો ઉઠાવવા સાથે જ મીડિયાને પણ જણાવ્યું હતું કે આ એક કાવતરું છે જેમાં કૉન્ગ્રેસ અને જેએમએમ સહભાગી છે. ચૂંટણીમાં જીતવા માટે તેઓ પાકિસ્તાન હોય કે ચીન, કોઈની પણ મદદ લઈ શકે છે. આ બાબતની એનઆઇએ દ્વારા તપાસ થવી જોઈએ. દેશ ઇસ્લામીકરણની દિશામાં આગળ વધી રહ્યો છે અને ઝારખંડે એનો માર્ગ બતાવ્યો છે એમ જણાવી તેમણે ઇસ્લામીકરણની દિશામાં આગળ વધી રહેલી આ સ્કૂલોને સર્વ શિક્ષા અભિયાન હેઠળ મળતું ભંડોળ અટકાવી દેવું જોઈએ એવી માગણી કરી હતી.

national news