28 December, 2025 08:24 AM IST | Rohtas | Gujarati Mid-day Correspondent
આ દુર્ઘટનામાં કોઈને ઈજા થઈ નથી
બિહારમાં રોહતાસ બ્લૉકથી રોહતાસ ગઢ કિલ્લા અને રોહિતેશ્વર ધામ સુધીનો રોપવે ટ્રાયલ વખતે જ ગઈ કાલે તૂટી પડ્યો હતો. રોપવેનો એક ટાવર તૂટી પડતાં આ દુર્ઘટના બની હતી. ૨૦૨૦માં આ રોપવેનું કામ શરૂ થયું હતું અને ૧૩ કરોડ રૂપિયાના ખર્ચે એ બાંધવામાં આવ્યો હતો. નવા વર્ષથી એ પ્રવાસીઓ માટે શરૂ થવાનો હતો. જોકે આ દુર્ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. આ ઘટનાએ રોપવેના બાંધકામની ગુણવત્તા વિશે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
સ્થળ પર હાજર અધિકારીઓએ જણાવ્યું હતું કે ટ્રાયલ દરમ્યાન ઉપયોગમાં લેવાતી ચાર ટ્રૉલીઓને નુકસાન થયું હતું, પરંતુ સ્થળ પર હાજર કામદારો પોતાને બચાવવામાં સફળ રહ્યા હતા. બિહાર રાજ્ય પુલ નિર્માણ નિગમ લિમિટેડના સિનિયર એન્જિનિયર ખુરશીદ કરીમે જણાવ્યું હતું કે ટ્રાયલ અને ટેસ્ટિંગનું કામ ચાલી રહ્યું છે. ટ્રૉલીમાં વજનનો વધારો કરવામાં આવતાં એક વાયર ફસાઈ ગયો હતો જેને કારણે દુર્ઘટના થઈ હતી. કલકત્તાથી એક ટીમ તપાસ કરવા આવી રહી છે. જ્યાં સુધી અધિકારીઓ ટ્રાયલનાં પરિણામથી સંપૂર્ણપણે સંતુષ્ટ ન થાય ત્યાં સુધી રોપવે સર્વિસ સામાન્ય લોકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે નહીં.
આશરે ૧૩૨૪ મીટર લાંબા આ રોપવેમાં પાંચ ટાવર છે. કેટલાક ટાવરનો ઢાળ ૪૦ ડિગ્રી છે. આ રોપવે દ્વારા લગભગ ૧૪૦૦ ફુટની ઊંચાઈએ આવેલા રોહતાસ ગઢ સુધી પહોંચવું સરળ બનવાનું હતું.