બિહારની વિધાનસભ્ય સિલેક્ટ થઈ પૅરિસ ઑલિમ્પિક્સ માટે

23 June, 2024 08:06 AM IST  |  Bihar | Gujarati Mid-day Correspondent

ભારતીય શૂટિંગની ટીમમાં સામેલ, ૧૭ વર્ષ બાદ સપનું પૂરું થયું

શ્રેયસી સિંહ

બિહારના જમુઈ વિધાનસભા મતદારક્ષેત્રની ભારતીય જનતા પાર્ટી (BJP)ની વિધાનસભ્ય શ્રેયસી સિંહની પસંદગી પૅરિસ ઑલિમ્પિક્સમાં શૂટિંગ ટીમમાં થઈ છે. કોઈ વિધાનસભ્યની પસંદગી ઑલિમ્પિક્સ ગેમ્સની ટીમમાં થઈ હોય એવો આ પહેલો કિસ્સો છે.

શુક્રવારે સવારે ૧૧ વાગ્યે ગોલ્ડન-ગર્લ તરીકે વિખ્યાત શ્રેયસીને ફોન આવ્યો હતો કે પૅરિસ ઑલિમ્પિક્સની ૨૧ મેમ્બરની ભારતીય ટીમમાં શૂટિંગ ગેમ માટે તેની પસંદગી થઈ છે. આ સાંભળતાં જ તેની આંખોમાં આસું આવી ગયાં હતાં. ગિદ્ધૌરસ્થિત ઘરે પત્રકારો સાથેની વાતચીતમાં શ્રેયસી સિંહે જણાવ્યું હતું કે ‘ઑલિમ્પિક્સમાં રમવાનું કોઈ પણ ખેલાડીનું સપનું હોય છે અને શૂટિંગની ૧૭ વર્ષની કરીઅર બાદ મારું આ સપનું પૂર્ણ થયું છે. મારું સદ્ભાગ્ય છે કે બિહારની હું પહેલી ખેલાડી છું જે આંતરરાષ્ટ્રીય સ્તર પર ઑલિમ્પિક્સ રમતોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છું. ઑલિમ્પિક્સ ગેમ્સની શરૂઆત ૨૬ જુલાઈએ થશે, પણ મારી ગેમની ઇવેન્ટ ૩૦ અને ૩૧ જુલાઈએ છે. મને ગોલ્ડ મેડલ જીતવા માટે મારા રાજ્ય બિહાર અને દેશના લોકોના આશીર્વાદની જરૂર છે. તેમના આશીર્વાદથી જ હું ગોલ્ડ મેડલ જીતીને આવી શકીશ.’

ભાવુક શ્રેયસી સિંહે આ પ્રસંગે જણાવ્યું હતું કે ‘મને મારા પિતા સ્વ. દિગ્વિજય સિંહની યાદ આવે છે. તેમનું સપનું હતું કે હું દેશ માટે ઑલિમ્પિક્સમાં રમું. આજે તેઓ હયાત નથી ત્યારે તેમનું આ સપનું પૂરું થયું છે.’ શ્રેયસી સિંહ ગિદ્ધૌરના રાજવી પરિવારમાંથી આવે છે. તેના દાદા સ્વ. કુમાર સુરેન્દ્ર સિંહ અને પિતા તથા ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સ્વ. દિગ્વિજય સિંહ પણ શૂટિંગનો શોખ રાખતા હતા. તેના દાદા શૂટિંગ અને ઑલિમ્પિક ફેડરેશનના અધ્યક્ષ રહી ચૂક્યા છે. 

national news bihar bharatiya janata party Olympics