ભારે વરસાદને કારણે બૅન્ગલોર બેહાલ

01 May, 2026 09:02 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

૧૦ જણનાં મૃત્યુ, ૮૭ વૃક્ષો ઊખડી ગયાં અને રોડ જળબંબાકાર

બૅન્ગલોરમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થતાં અનેક વાહનો ચગદાઈ ગયાં હતાં (ડાબે), બૅન્ગલોરની ચર્ચ સ્ટ્રીટ પર આવેલા બુક-સ્ટોર ‘ધ બુકવર્મ’માં પાણી ભરાઈ જતાં લગભગ ૫૦૦૦ પુસ્તકો પલળીને ખરાબ થઈ ગયાં હતાં. જે થોડાંક પુસ્તકો બચ્યાં હતાં એને સૂકવીને બચાવવાની કોશિશ થઈ રહી છે.

છેલ્લા બે દિવસથી બૅન્ગલોરમાં આંધી સાથે ભારે વરસાદ અને કરાવૃષ્ટિ થતાં શહેરના રસ્તાઓ સમુદ્રમાં તબદીલ થઈ ગયા હતા. આ કુદરતી આપદામાં દીવાલ અને રોડ ધસી પડવાને કારણે ૭, કરન્ટથી બે અને પાણીમાં તણાઈ જવાથી એક એમ કુલ ૧૦ મૃત્યુ થયાં હતાં. શહેરના અનેક મુખ્ય રસ્તાઓ જળમગ્ન થઈ જવાની સાથે વૃક્ષો ઊખડી ગયાં હોવાની ઘટનાઓ પણ બની હતી. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી ગાડીઓ અને ટૂ-વ્હીલર ડૂબી ગયાં હતાં. શહેરમાં ૮૭ વૃક્ષો ઊખડી ગયાં હતા, ૧૩૧ ડાળીઓ તૂટી પડતાં વાહનો એની નીચે ચગદાઈ ગયાં હતાં. 
બે દિવસ પહેલાં ભીષણ ગરમી પછી અચાનક જ ભારે વરસાદને કારણે શહેરવાસીઓ ત્રસ્ત થઈ ગયા છે. હજી ભારતીય હવામાન વિભાગે આજે અને આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી છે. 

bengaluru monsoon news Weather Update national news news