બ્રિજભૂષણની ધરપકડ થવી જ જોઈએ : રામદેવ

28 May, 2023 10:13 AM IST  |  Bhilwara | Gujarati Mid-day Correspondent

રામદેવે રેસલિંગ ફેડરેશનના ચીફ બ્રિજભૂષણ શરણ સિંહની ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે તેમની ધરપકડ થવી જોઈએ

યોગગુરુ રામદેવ

યોગગુરુ રામદેવે છેલ્લાં અનેક અઠવાડિયાંથી જંતરમંતર પર વિરોધપ્રદર્શન કરી રહેલા રેસલર્સને સપોર્ટ જાહેર કર્યો છે. રામદેવે રેસલિંગ ફેડરેશનના ચીફ બ્રિજભૂષણ શરણ સિંહની ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે તેમની ધરપકડ થવી જોઈએ. રામદેવે કહ્યું હતું કે ‘રેસલિંગ ફેડરેશનના ચીફની વિરુદ્ધ વ્યભિચાર, દુરાચારના આરોપોની સાથે પહેલવાનોએ જંતરમંતર પર બેસવું પડ્યું છે, એ ખૂબ જ શરમજનક બાબત છે. આ વ્યક્તિની તાત્કાલિક ધરપકડ કરીને એને જેલના સળિયાની પાછળ ધકેલવો જોઈએ. વળી, એ રોજ જ માતા, બહેનો અને દીકરીઓ વિશે બકવાસ કરે છે. આ એક નિંદનીય કૃત્ય અને પાપ છે.’

રાજસ્થાનના ભીલવાડામાં ત્રણ દિવસની યોગશિબિરમાં રામદેવને મીડિયાએ સવાલ કર્યો હતો કે બ્રિજભૂષણની વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો હોવા છતાં તેમની ધરપકડ કરવામાં આવી નથી તો તેમણે કહ્યું હતું કે ‘હું માત્ર સ્ટેટમેન્ટ આપી શકું છું. હું તેમને પકડીને થોડો કંઈ જેલમાં નાખી શકું છું.’

તેમણે વધુ જણાવ્યું હતું કે ‘રાજકીય સ્તરે અમે કોઈનો દ્વેષ જોતા નથી. પૉલિટિકલ વિઝન રાખવું એ અલગ વાત છે. પૉલિટિકલી પક્ષપાત કરવો કે રાગદ્વૈષ કરવો એ હું કરતો નથી.’

national news rajasthan ramdev baba ramdev