ક્રૂ ડ્રૅગન કૅપ્સ્યુલને અવકાશમાં મોકલ્યાની ૮ મિનિટ બાદ ફાલ્કન 9 રૉકેટ ધરતી પર પાછું ફર્યું

26 June, 2025 09:14 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ફરી-ફરી વાપરી શકાય એવું બે-તબક્કાનું રૉકેટ, સ્પેસઍક્સ દ્વારા વિકસિત નવ મર્લિન એન્જિન દ્વારા સંચાલિત, એન્જિન પણ ફરીથી ઉપયોગમાં લઈ શકાય એવી ડિઝાઇન

ક્રૂ ડ્રૅગન કૅપ્સ્યુલ

છ વાર પ્રક્ષેપણ મોકૂફ રાખવું પડ્યું હતું, સાતમી વાર ખરાબ સૉફ્ટવેરને કારણે હવામાનના ડેટા અપલોડ કરવામાં વિલંબ થયો, પણ છેવટે મિશન લૉન્ચ થયું

ફ્લોરિડાના કૅનેડી સ્પેસ સેન્ટરથી ચાર અવકાશયાત્રીઓ ધરાવતી ક્રૂ ડ્રૅગન કૅપ્સ્યુલને લઈને ઊડેલું સ્પેસએક્સનું ફાલ્કન 9 રૉકેટ ઉડાન ભર્યાની આઠ મિનિટથી પણ ઓછા સમયમાં સુરક્ષિત પૃથ્વી પર પાછું ફર્યું હતું. બીજી તરફ ક્રૂ ડ્રૅગન કૅપ્સ્યુલે એનો આગળનો પ્રવાસ ચાલુ રાખ્યો હતો અને એ ૨૮ કલાક સુધી પૃથ્વીની ફરતે ચક્કર કાપ્યા બાદ ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર પહોંચશે.

પ્રક્ષેપણ પહેલાં વાર વિલંબ, સાતમી વાર પણ મોડું પડ્યું

ઍ​ક્સિઓમ-4 મિશનનું લૉન્ચિંગ ૧૦ જૂને થવાનું હતું પણ એનું પ્રક્ષેપણ છ વખત વિલંબ થયું હતું. સૉફ્ટવેરની ખામીને કારણે હવામાન ડેટા અપલોડ કરવામાં અવરોધ ઊભો થયો હોવાથી એ સાતમા વિલંબની ધાર પર અટકી ગયું હતું. જોકે થોડી મિનિટો બાકી રહી હતી અને ભારતીય સમય મુજબ ગઈ કાલે બપોરે ૧૨.૦૧ વાગ્યે આ મિશન શરૂ થયું હતું અને ફાલ્કન 9 રૉકેટનાં શક્તિશાળી મર્લિન એન્જિનોએ ઉડાન ભરી હતી.

ફાલ્કન 9 રૉકેટ શું છે?

ફાલ્કન 9 રૉકેટ ફરીથી વાપરી શકાય એવું બે-તબક્કાનું રૉકેટ છે જે સ્પેસએક્સ દ્વારા ડિઝાઇન અને ઉત્પાદિત કરવામાં આવ્યું છે. એ વિશ્વનું પ્રથમ ઑર્બિટલ-ક્લાસ રૉકેટ છે. સ્પેસએક્સ રૉકેટના સૌથી મોંઘા ભાગોનો ફરીથી ઉપયોગ કરી શકે છે અને આમ અવકાશ-મિશનનો ખર્ચ ઘટાડવામાં મદદ મળે છે. એ સ્પેસએક્સ દ્વારા વિકસિત નવ મર્લિન એન્જિન દ્વારા સંચાલિત છે અને એ ગૅસ-જનરેટર પાવર ચક્રમાં રૉકેટ-ગ્રેડ કેરોસીન અને પ્રવાહી ઑક્સિજનનો પ્રોપેલન્ટ તરીકે ઉપયોગ કરે છે. રૉકેટની જેમ એન્જિન પણ ફરીથી ઉપયોગમાં લઈ શકાય એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ફાલ્કન 9 રૉકેટમાં બે અલગ-અલગ વિભાગો છે, જેમાંથી પહેલા ભાગનો ફરીથી ઉપયોગ કરી શકાય છે. આ વિભાગ પેલોડથી અલગ પડે છે. ઍ​ક્સિઓમ-4 મિશનની વાત કરીએ તો ક્રૂ ડ્રૅગન કૅપ્સ્યુલને પૂર્વ-નિર્ધારિત ઊંચાઈ અને ગતિ પર સફળતાપૂર્વક લઈ ગયા પછી બૂસ્ટર વિભાગ ડી-લિન્ક થાય છે અને પૃથ્વી પર પાછો ઉડે છે. સ્પેસએક્સે બૂસ્ટરને ૪૫૧ વખત આશ્ચર્યજનક રીતે લૅન્ડ કર્યું છે.

નીલ આર્મસ્ટ્રૉન્ગ જ્યાંથી રવાના થયા હતા ઐતિહાસિક લૉન્ચ કૉમ્પ્લેક્સથી રવાના

ફાલ્કન 9 રૉકેટ કૅનેડી સ્પેસ સેન્ટરના લૉન્ચ કૉમ્પ્લેક્સ 39A પરથી રવાના થયું હતું. આ એ લૉન્ચ કૉમ્પ્લેક્સ છે જ્યાંથી ૧૯૬૯માં જુલાઈ મહિનામાં ચંદ્રની ધરતી પર પહેલો પગ મૂકનારા અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રૉન્ગ અપોલો ૧૧ મિશનમાં ચંદ્ર પર જવા માટે રવાના થયા હતા.

AXIOM 4 Mission indian space research organisation international space station nasa isro news