વિધાનસભા ચૂંટણી : બીજેપીની પાંચેય રાજ્યો માટેની યાદી જાહેર

15 March, 2021 04:50 PM IST  |  New Delhi | Agencies

વિધાનસભા ચૂંટણી : બીજેપીની પાંચેય રાજ્યો માટેની યાદી જાહેર

પ્રતીકાત્મક તસવીર

બીજેપીએ પશ્ચિમ બંગાળ, આસામ, કેરલા અને તામિલનાડુ વિધાનસભાઓની આગામી ચૂંટણીઓ માટે કેન્દ્રીય પ્રધાન ઉપરાંત સંસદસભ્યો તથા વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોની ‘સ્ટાર સ્ટડેડ’ યાદી બહાર પાડી છે. બીજેપીએ કેરલા વિધાનસભાની ૧૪૦માંથી ૧૧૫ બેઠક પર ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. એમાંથી ૧૧૨ બેઠકના ઉમેદવારોની યાદી ગઈ કાલે જાહેર કરી હતી. આસામના ૧૭ ઉમેદવાર અને પશ્ચિમ બંગાળની ચૂંટણીના ત્રીજા અને ચોથા તબક્કા માટે ૬૩ ઉમેદવારની યાદી જાહેર કરી હતી.
બીજેપીએ પશ્ચિમ બંગાળમાં અલીપુરદ્વાર વિધાનસભા મતક્ષેત્ર માટે કેન્દ્ર સરકારના ભૂતપૂર્વ આર્થિક સલાહકાર અશોક લાહિરી, ટોલીગંજ વિધાનસભા મતક્ષેત્ર માટે કેન્દ્રના પ્રધાન બાબુલ સુપ્રીયો અને તારકેશ્વર વિધાનસભા મતક્ષેત્ર માટે વરિષ્ઠ પત્રકાર સ્વપન દાસગુપ્તાને પસંદ કર્યા છે. અભિનેત્રી અને હાલનાં સંસદસભ્ય લોકેત ચેટરજીને ચુંચુરા વિધાનસભા મતક્ષેત્રની અને અન્ય સંસદસભ્ય નિશિત પ્રામાણિકને દિનહટા મતક્ષેત્રની ટિકિટ બીજેપીના નેતાઓએ ફાળવી છે. પશ્ચિમ બંગાળનાં મહત્ત્વનાં મતક્ષેત્રોમાં ફિલ્મક્ષેત્રના
અનેક મહાનુભાવોને ઉમેદવારી સોંપવામાં આવી છે.
ભારતમાં અને ખાસ કરીને દિલ્હીમાં મેટ્રો રેલવે સ્થાપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા ઈ. શ્રીધરનને કેરલાના પલક્કડ મતક્ષેત્રમાં અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન કે. જે. અલ્ફોન્સને કાંજિરાપ્પલ્લી મતક્ષેત્રમાં ઉમેદવારી સોંપવામાં આવી છે. તામિલનાડુમાં અભિનેત્રી ખુશ્બૂ સુંદરને થાઉઝન્ડ લાઇટ્સ વિધાનસભા મતક્ષેત્રમાં અને રાજ્યમાં પક્ષની મહિલા પાંખનાં પ્રમુખ વાસંતી શ્રીનિવાસનને કોઇમ્બતુર-સાઉથ બેઠક પર અભિનેતા કમલ હાસનની સામે ઉમેદવારી સોંપવામાં આવી છે. આસામમાં હસીનારા ખાતુનને બાગબર વિધાનસભા મતક્ષેત્રની અને સુમન હરિપ્રિયાને હાજો વિધાનસભા મતક્ષેત્રની ઉમેદવારી સોંપવામાં આવી છે.

national news bharatiya janata party