12 September, 2023 01:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અશ્નિર ગ્રોવર
ઇન્દોર ઃ ભારતપેના ભૂતપૂર્વ કો-ફાઉન્ડર અને મોટિવેશનલ સ્પિકર અશ્નિર ગ્રોવરે સ્વચ્છતાને લઈને આપેલા સ્ટેટમેન્ટને લઈને ઇન્દોરના લસુડિયા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમણે ઇન્દોરની સ્વચ્છતાને લઈને આપેલા સ્ટેટમેન્ટનો ચારેતરફ વિરોધ થઈ રહ્યો છે. સફાઈ-કર્મચારીઓએ તેમના પૂતળાને પણ સળગાવ્યું હતું, તો ઇન્દોરની ૫૬ દુકાન વેપારી અસોસિએશને પણ તેમના પર પ્રતિબંધ મૂક્યો છે. જ્યાં સુધી અશ્નિર ગ્રોવર પોતાના સ્ટેટમેન્ટને લઈને માફી નહીં માગે ત્યાં સુધી તેમને ઇન્દોરમાં પ્રવેશ નહીં મળે.
૫૬ દુકાન વેપારી અસોસિએશનના અધ્યક્ષ ગુંજન શર્માએ કહ્યું હતું કે ‘સ્વચ્છતા મામલે ઇન્દોર દેશમાં
નંબર-વન છે. સતત છ વખતથી આ સ્થાન મહેનતથી મેળવ્યું છે.
અશ્નિર ગ્રોવરે ઇન્દોરના લોકોનું અપમાન કર્યું છે.’ તેમણે એક ટોક શો દરમ્યાન કહ્યું હતું કે હું છેલ્લાં
ત્રણ-ચાર વર્ષથી સાંભળું છું કે ઇન્દોર સ્વચ્છ શહેર છે. આ સર્વે ખરીદવામાં આવ્યો છે. સ્વચ્છ શહેરમાં માત્ર ચિપ્સના પૅકેટ જ ગણતરીમાં નથી લેવાનાં, પણ કાટમાળને પણ ગણવો જોઈએ. દરેક સ્થળોએ કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે. હું એમ નથી કહેતો કે ગંદકી છે, પરંતુ મને કોઈ વ્યક્તિગત રીતે પૂછે તો ભોપાળને હું વધુ સ્વચ્છ ગણું છું.’