રામ મંદિરમાંથી કરોડો રૂપિયાનો ચડાવો ગાયબ

08 June, 2026 11:36 AM IST  |  Ayodhya | Gujarati Mid-day Correspondent

અખિલેશ યાદવના આ આરોપ સામે ટ્રસ્ટે કહ્યું કે પાઈ-પાઈનો લેખિત હિસાબ છે

અયોધ્યા રામ મંદિર

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે તેમના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર ગંભીર આરોપ કરતી પોસ્ટમાં લખ્યું છે કે અયોધ્યામાં આવેલા રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચડાવવામાં આવેલા કરોડો રૂપિયાના ચડાવાની રકમ ગાયબ થઈ ગઈ છે. આ સંદર્ભમાં મંદિર ટ્રસ્ટના સભ્ય મહંત દિનેન્દ્ર દાસે આ આરોપોને સંપૂર્ણ રીતે નિરાધાર અને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યા છે.
ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર લખ્યું હતું કે ‘સમસ્ત વિશ્વમાં ભગવાન રામના ઉપાસકો માટે આ સંવેદનશીલ સમાચાર છે કે રામ મંદિરમાં ચઢાવાની કરોડો રૂપિયાની રકમ ગુમ છે. આ મંદિર ટ્રસ્ટ માટે અત્યંત શરમજનક સ્થિતિ છે. કોઈ પણ સફાઈ આપવા માટે આગળ આવવા નથી માગતું. કોર્ટે આની જાતે નોંધ લેવી જોઈએ, કારણ કે એનો સંબંધ વૈશ્વિક સ્તર પર સમસ્ત સનાતની સમાજની પ્રભુ રામમાં ઊંડી આસ્થા સાથે જોડાયેલો છે. સરકારની ચુપકીદી સંદિગ્ધ છે.’ 

આ સંદર્ભમાં મહંત દિનેન્દ્ર દાસે કહ્યું હતું કે ‘ટ્રસ્ટમાં આવી ભૂલ થઈ જ ન શકે. અમારે ત્યાં લેણદેણનો પૂરો લેખિતમાં હિસાબ રાખવામાં આવે છે. આ સમયે પણ તમામ લેણદેણ યોગ્ય રીતે ચાલે છે અને સદ્ભાવના અને પ્રેમ છે. દરેક વ્યક્તિની વિચારવાની પદ્ધતિ અલગ છે. કોઈ કંઈ પણ બોલી શકે છે. અંતે પ્રભુ રામ ન્યાય કરશે અને દંડ આપશે.’

વારાણસીમાં માંસ-માછલીની દુકાનો ૬ મહિનામાં શહેરની બહાર શિફ્ટ કરી દેવાશે

વારાણસીમાં માંસ અને માછલીના વેપાર વિશે મ્યુનિસિપલ કૉર્પોરેશને એક મોટો નિર્ણય લીધો છે. શહેરની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખને ધ્યાનમાં રાખીને શહેરની અંદર ચાલતી માંસ-માછલીની દુકાનોને તબક્કાવાર શહેરની હદની બહાર શિફ્ટ કરવામાં આવશે. શનિવારે મેયર અશોકકુમાર તિવારીની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભામાં આ પ્રસ્તાવ પર વિસ્તારથી ચર્ચા કરીને મંજૂરી આપવામાં આવી છે. માંસની દુકાનો શહેરની હદની બહાર ખસેડવામાં આવશે જેથી પબ્લિકને કોઈ મુશ્કેલી ન પડે. આગામી ૬ મહિનાની અંદર માંસ-માછલીની તમામ દુકાનો ફરજિયાતપણે બહારના વિસ્તારોમાં શિફ્ટ કરી દેવામાં આવશે.

મુસ્લિમ દેશ UAEએ અબુ ધાબીના BAPS હિન્દુ મંદિરને આપ્યો ટૉલરન્સ અવૉર્ડ

યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ના અબુ ધાબીમાં બાંધવામાં આવેલા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા (BAPS) હિન્દુ મંદિરને ટૉલરન્સ અવૉર્ડ ૨૦૨૬થી સન્માનિત કરવામાં આવ્યું છે. આ ફક્ત એક મંદિર માટે સિદ્ધિ નથી, વિવિધ ધર્મો અને સંસ્કૃતિઓ વચ્ચે વધતા આદર અને ભાઈચારાનું પ્રતીક પણ છે. અબુ ધાબીમાં આવેલું BAPS હિન્દુ મંદિર એના સુંદર સ્થાપત્ય તેમ જ એના સામાજિક અને સાંસ્કૃતિક યોગદાન માટે જાણીતું છે. એવું કહેવામાં આવે છે કે આ મંદિરે વિવિધ સમુદાયોના લોકોને એક કરવામાં, પરસ્પર આદર વધારવામાં અને શાંતિનો સંદેશ ફેલાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ મંદિર ફક્ત પૂજાસ્થળ નથી, વિવિધ દેશો અને ધર્મોના લોકો એકબીજાની સંસ્કૃતિઓને સમજવા માટે પણ અહીં આવે છે. આ જ વિચાર આ સન્માનનું મુખ્ય કારણ બન્યો છે.

યુરોપના સૌથી ઊંચા ગણપતિ મંદિરનું બર્લિનમાં ઉદ્ઘાટન

બર્લિનમાં ૧૧ લાખ યુરો એટલે કે આશરે ૧૦ કરોડ રૂપિયાના લોકફાળાથી તૈયાર થયેલા જર્મનીના સૌથી વિશાળ અને યુરોપના સૌથી ઊંચા (૧૭ મીટરનો ટાવર) શ્રી ગણેશ હિન્દુ મંદિરનું ગઈ કાલે ૭ જૂને પ્રાણપ્રતિષ્ઠા સાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ૨૦૦૪માં સેવાયેલું આ સપનું બાવીસ વર્ષના લાંબા સંઘર્ષ બાદ પૂરું થયું છે. દક્ષિણ ભારતીય દ્રવિડિયન શૈલીમાં નિર્માણ પામેલા આ ભવ્ય મંદિરનું નકશીકામ અને મૂર્તિઓ તૈયાર કરવા ભારતથી ખાસ કારીગરો બોલાવવામાં આવ્યા હતા. તેમણે ૫૦૦૦ વર્ષ જૂની ટેક્નિક દ્વારા મૂર્તિઓનું નિર્માણ કર્યું હતું. છેલ્લા એક દાયકામાં બર્લિનમાં ભારતીય નાગરિકોની સંખ્યા વધીને અંદાજે ૪૧,૦૦૦એ પહોંચી છે ત્યારે આ નવું ધાર્મિક કેન્દ્ર ભારતથી દૂર રહેતા પરિવારોને જોડવા માટેની એક મજબૂત કડી બની રહેશે.

national news akhilesh yadav ram mandir ayodhya samajwadi party