મહારાષ્ટ્રઃ ટિકટોક વીડિયો બનાવવાની લ્હાયમાં ગયો વધુ એક જીવ

14 June, 2019 07:29 PM IST  |  શિરડી

મહારાષ્ટ્રઃ ટિકટોક વીડિયો બનાવવાની લ્હાયમાં ગયો વધુ એક જીવ

પ્રતિકાત્મક તસવીર

મહારાષ્ટ્રના શિરડીમાં ટિક ટોક વીડિયો બનાવતા સમયે ગોળી ચાલી જતા એક તરૂણનો જીવ ગયો છે. પોલીસને કહેવા પ્રમાણે બુધવારે થયેલા આ અકસ્માતમાં પ્રતીક વાડેકરનું મોત થયું છે. પ્રતીકની ઉંમર 17 વર્ષ હતી. પોલીસના પ્રમાણે, પ્રતીક પોતાના પરિવાર અને સંબંધીઓ સાથે એક વ્યક્તિના અંતિમ સંસ્કારમાં શિરડી આવ્યો હતો. તેઓ એક હોટેલમાં રોકાયા હતા.

હોટેલમાં જ બની ઘટના
હોટેલમાં પ્રતીક, સન્ની પવાર અને નીતિન વાડેકર અને અન્ય એક તરૂણે પિસ્તોલ લઈને ટિકટોક પર બનાવવા માટે વીડિયો બનાવવાનો શરૂ કરી દીધો. ભૂલથી પિસ્તોલનું ટ્રીગર દબાઈ ગયું અને ગોળી પ્રતીકને જઈને લાગી ગઈ. આ પિસ્તોલ પ્રતીકના જ કોઈ સંબંધી લઈને આવ્યા હતા. હાલ સન્ની અને નીતિનની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ પહેલા પણ બની ચુકી છે આવી ઘટના
આ પહેલી વાર નથી કે ટિકટોકના લીધે કોઈનો જીવ ગયો હોય. આ પહેલાની ઘટના દિલ્હીની છે જ્યાં શનિવારે સલમાન નામનો યુવક તેના મિત્રો સોહેલ અને આમિર સાથે ઈન્ડિયા ગેટ ગયો હતો. ત્યાંથી પાછા ફરતા સમયે સોહેલ સલમાનની બાજુમાં બેઠો હતો અને સલમાન કાર ચલાવી રહ્યો છે. સોહેલ પાસે દેશી બનાવટની પિસ્તોલ હતી. વીડિયો બનાવવા માટે તેણે આ પિસ્તોલ સલમાન પર તાકી અને વીડિયો બનાવતા સમયે તેમાંથી ગોળી ચાલી ગઈ.

આ પણ વાંચોઃ મુંબઈઃ આ ટિકટોક સ્ટાર નીકળ્યો ચોર, બુઝુર્ગના ઘરમાં કરી પાંચ લાખની ચોરી


ટિકટોક પર મુકાયો હતો પ્રતિબંધ
ટિકટોક એક સોશિયલ મીડિયા એપ છે. ભારતભરમાં ટિકટોકના 20 કરોડ યૂઝર્સ છે. જેમાંથી 12 કરોડ દર મહિને સક્રિય રહે છે. કેટલાક મહિનાઓ પહેલા મદ્રાસ હાઈકોર્ટે આ એપ્લિકેશન પર રોક લગાવી હતી, પરંતુ બાદમાં તેને હટાવી લેવામાં આવી હતી. ટિકટોક ચાઈનીઝ કંપની બાઈટડાન્સની એપ્લિકેશન છે. જેમાં યુઝર્સ 3 સેકન્ડથી માંડીને 15 સેકન્ડના વીડિયોઝ બનાવી શકે છે. જેમાં કેટલાક વાંધાજનક કંટેન્ટને લઈને મદ્રાસ હાઈકોર્ટે તેના પર પ્રતિબંધ લગાવવાની ભલામણ કરી હતી. જે બાદ તેને ગૂગલના પ્લે સ્ટોર અને એપલના એપ સ્ટોરમાંથી હટાવવામાં આવી હતી.

maharashtra