દિલ્હી કોર્ટનો ચુકાદો: કુલદીપ સેંગરને આજીવન કેદની સજા ફટકારી

21 December, 2019 01:53 PM IST  |  New Delhi

દિલ્હી કોર્ટનો ચુકાદો: કુલદીપ સેંગરને આજીવન કેદની સજા ફટકારી

કુલદીપ સેંગર

બીજેપીમાંથી હાંકી કઢાયેલા ઉત્તર પ્રદેશના ઉન્નાવના ધારાસભ્ય કુલદીપ સેંગરને ૨૦૧૭માં તેમના નિવાસસ્થાને નોકરી માગવા આવેલી એક સ્થાનિક સગીરાને પોતાની હવસનો શિકાર બનાવીને તેના પર દુષ્કર્મ આચરવાના ગુનામાં દોષી ઠેરવ્યા બાદ આજે દિલ્હીની કોર્ટે અપરાધી જીવે ત્યાં સુધી જેલમાં રહેવાની આજીવન કેદની આકરી સજા ફટકારી હતી અને એની સાથોસાથ ૨૫ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. દંડની આ રકમ પીડિતાને આપવાનો પણ કોર્ટે આદેશ આપ્યો છે. એ સાથે કેટલાંક વર્તુળોમાં આ સજાને પગલે એવી લાગણી સર્જાઈ હતી કે આખરે યુપીના ઉન્નાવ દુષ્કર્મ કાંડમાં પીડિતાને ન્યાય મળ્યો છે. જોકે પીડિતાએ આ કાંડમાં પિતા, કાકી અને માસીને ગુમાવ્યાં છે અને પોતે પણ હજી હૉસ્પિટલમાં જ છે. પીડિતાના પિતા અને પરિવારના કેટલાક સભ્યોને બીજેપીના આ પાવરફુલ ધારાસભ્યના ઇશારે મારી નાખવાના આરોપ પણ થયા છે. સેંગર સામે અન્ય ગુના પણ નોંધાયેલા છે. આરોપી બીજેપીમાં હોવાથી યોગી સરકાર સામે તેમને બચાવવાના રાજકીય આક્ષેપો થતાં પોલીસ પાસેથી આ કેસ સીબીઆઇને સોંપવામાં આવ્યો હતો અને દોષી જાહેર થયા બાદ સીબીઆઇએ તેમને આજીવન કેદની સજા આપવાની ભલામણ કરી હતી. ગુનાની ગંભીરતા જોતતાં કોર્ટે આ ભલામણ માન્ય રાખીને અપરાધીને આજીવન કેદની સજા આપી હતી.

૨૦૧૭ના વર્ષમાં એક યુવતીએ સેંગર પર દુષ્કર્મ તથા અપહરણનો આરોપ મૂક્યો હતો. જ્યારે દુષ્કર્મની એ ઘટના ઘટી ત્યારે યુવતી સગીરા હતી. પીડિતા સેંગરના ઘરમાં નોકરી મેળવવા માટે ગઈ હતી ત્યારે તેમણે ધારાસભ્યના ઘરે દુષ્કર્મ થયું હોવાનો આક્ષેપ કર્યો હતો.

delhi high court new delhi national news delhi crime branch uttar pradesh