GST કાઉન્સિલ મીટિંગ: રોજિંદા ઉપયોગની 33 વસ્તુઓ પર ઘટ્યો દર

22 December, 2018 04:04 PM IST  |  New Delhi

GST કાઉન્સિલ મીટિંગ: રોજિંદા ઉપયોગની 33 વસ્તુઓ પર ઘટ્યો દર

નાણામંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષતામાં આજે જીએસટી કાઉન્સિલની મીટિંગ મળી હતી.

પુડુચ્ચેરીના મુખ્યમંત્રી વી નારાયણસામીએ જીએસટી કાઉન્સિલની મીટિંગની બહાર આવીને જણાવ્યું કે સામાન્ય ઉપયોગની 33 વસ્ચુઓ પર GSTનો દર ઘટાડવામાં આવ્યો છે. તેમાં એ વસ્તુઓ સામેલ છે જેના પર પહેલા 18 ટકા દર વસૂલવામાં આવતો હતો, પરંતુ હવે તેના પર 12 ટકા જીએસટી લગાવવામાં આવશે. જ્યારે કેટલીક આઇટમ્સને 12 ટકા GSTના દરથી નીચે 5 ટકાની શ્રેણીમાં લાવવામાં આવી છે.

વી નારાયણસામીએ આગળ જણાવ્યું કે 'કોંગ્રેસની અસલી માંગ એ હતી કે લક્ઝરી સામાનને છોડીને અન્ય તમામ આઇટમ્સ પર 18 ટકા રેટ લાગવો જોઈએ અને સરકાર તેની સાથે સંમત પણ છે. ફક્ત 34 આઇટમ્સને છોડીને બાકી તમામને 18 અથવા તેથી ઓછા જીએસટી દર હેઠળ લાવવામાં આવી છે.'

આ પહેલા શનિવારે સવારે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં GST કાઉન્સિલની મહત્વની બેઠક શરૂ થઈ હતી. કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ આ બેઠકની અધ્યક્ષતા કરી. આ જીએસટી કાઉન્સિલની 31મી બેઠક હતી. આજે આખો દેશ આ કાઉન્સિલમાં લેવામાં આવનારા નિર્ણય પર મીટ માંડીને બેઠો હતો. અપેક્ષા હચી કે કાઉન્સિલમાં ઘણી વસ્તુઓ પર જીએસટી દર ઓછા કરવાના નિર્ણય પર મહોર લાગશે અને એવું જ થયું પણ છે.

ઉલ્લેખનીય છે કે કાઉન્સિલ છેલ્લા કેટલાક સમયથી 28 ટકાના સ્લેબને સતત ઘટાડી રહી છે. આજે પણ અપેક્ષા હતી કે 28 ટકાના સ્લેબમાંથી અન્ય ઘણી ચીજોને હટાવવામાં આવી શકે છે. લિસ્ટમાં સૌથી ઉપર સિમેન્ટનું નામ હતું, જેના પર અત્યારે 28 ટકા ટેક્સ લાગે છે. જણાવી દઇએ કે અત્યાર સુધીમાં 39 વસ્તુઓ પર 28 ટકા ટેક્સ લાગતો હતો, જેની સંખ્યા હવે ઘટાડીને 34 કરી દેવામાં આવી છે. એટલે કે 5 અન્ય ઉત્પાદનોને 28 ટકા કે તેથી વધુના GST દરની બહાર કરવામાં આવી છે.

તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સરકાર એ સુનિશ્ચિત કરવા માંગે છે કે 99 ટકા વસ્તુઓ જીએસટીના 18 ટકા કે તેનાથી નીચેના દર હેઠળ લાવી દેવામાં આવે. જીએસટી કાઉન્સિલ જો આવો કોઈ નિર્ણય લેશે તો તમને ઘણી ચીજોના ભાવમાં રાહત મળી શકે છે. એક ખાસ વાત એ પણ છે કે જીએસટી નેટવર્કની સરકારી ઓનરશિપની કંપનીમાં સ્થાનાંતરણના મુદ્દે હાઇબ્રિડ કારો પર હાલના 28 ટકાના જીએસટી દર ઓછા કરવા પર પણ વિચાર થઈ શકે તેવી અપેક્ષા છે.

finance ministry arun jaitley goods and services tax