NIAનો ખુલાસો: લખનઉના મા-દીકરાએ કરી હતી ISIS મોડ્યુલ માટે ટેરર ફંડિંગ

27 December, 2018 01:08 PM IST  |  Lucknow, Uttar Pradesh

NIAનો ખુલાસો: લખનઉના મા-દીકરાએ કરી હતી ISIS મોડ્યુલ માટે ટેરર ફંડિંગ

NIA તપાસ કરી રહી છે કે મહિલાએ ઘરેણા વેચીને ભેગી કરેલી રકમ આતંકીઓ સુધી કેવી રીતે પહોંચાડી. (ફાઇલ)

એનઆઇએ અને એટીએસની સંયુક્ત ટીમે બુધવારે આઇએસઆઇએસ મોડ્યુલના હરકત-ઉલ હર્બ-એ-ઇસ્લામ સંગઠનના જે સંદિગ્ધ આતંકીઓને પકડ્યા છે, તેમનું લખનઉ સાથે એકદમ ગાઢ કનેક્શન છે. સિટી સ્ટેશનની પાસે રહેતી એક મહિલાએ પોતાના ઘરેણા વેચીને આતંકીઓને આશરે પોણા ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા. મહિલાની સાથે તેનો મોટો દીકરો પણ આ આતંકીઓના સંપર્કમાં હતો. બંને ફેસબુક મારફતે આરોપીઓના સંપર્કમાં આવ્યા હતા. સૂત્રોનું કહેવું છે કે આ રકમથી આ સંદિગ્ધ આતંકીઓએ વિસ્ફોટક સામગ્રી અને હથિયારો ખરીદ્યા. એનઆઇએ મા-દીકરાની પૂછપરછ કરી રહી છે. આ પહેલો મામલો છે, જ્યારે ટેરર ફંડિંગના કોઈ મામલામાં મા-દીકરાની એકસાથે ભૂમિકા સામે આવી છે.

આતંકીઓનું યુપી કનેક્શન સામે આવ્યા પછી એનઆઇએ, દિલ્હીએ ઉત્તરપ્રદેશની એન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડનો સંપર્ક કર્યો હતો, જે પછી મંગળવારે મોડી રાતથી જ આરોપીઓને ઘેરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. યુપીમાં અમરોહા અને મેરઠ ઉપરાંત ખાસ કરીને લખનઉ માટે એલર્ટ હતું. બુધવારે સવારે ચાર વાગે જ એટીએસ અને વજીરગંજ પોલીસ સ્ટેશનની પોલીસટીમો સિટી સ્ટેશનની પાસે તહેનાત હતી. એનઆઇએની ટીમના પહોંચતા જ સંયુક્ત ટીમે થોડેક જ દૂર આવેલા નબીઉલ્લા રોડ સ્થિત મહિલાને ઘેરી લીધું.

45 વર્ષીય મહિલાનો પતિ વાસણનો રિટેઇલર છે અને યહિયાગંજમાં તેની દુકાન છે. તે બેટરી અને ટોર્ચનો કારોબાર પણ કરે છે. જણાવવામાં આવ્યું છે કે મહિલાનો મોટો દીકરો (18) બિલ્લોચપુરામાં આવેલી મદરેસા મજહરૂલ ઇસ્લામમાં દીની તાલીમ મેળવી રહ્યો છે. તે આઠમા ધોરણ સુધી શહેરની પ્રતિષ્ઠિત સ્કૂલનો વિદ્યાર્થી હતો. એનઆઇએએ મકાનના ફક્ત તે 2 રૂમમાં શોધખોળ કરી જ્યાં મહિલા અને તેનો દીકરો રહે છે. બે લેપટોપનો ડેટા લેવા ઉપરાંત બંનેના મોબાઈલ ફોન પણ જપ્ત કરી લેવામાં આવ્યા. કેટલાક દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ એનઆઇએ મહિલાને લઈને અકબરી ગેટ ગઈ.

જ્વેલરને ઘરેણા વેચીને કર્યું હતું ટેરર ફંડિંગ

સૂત્રો જણાવે છે કે મહિલાએ અકબરી ગેટ સ્થિત જમજમ જ્વેલર્સને પોતાના ઘરેણા વેચ્યા હતા. એનઆઇએએ નક્ખાસમાં દુકાનના મેનેજરને બોલાવીને ઘરેણા વેચાવા અંગે તપાસ કરી. ત્યારબાદ મા-દીકરાને પોતાની સાથે લઈ ગઈ. મહિલાનો પતિ પણ એનઆઇએની ટીમ સાથે ગયો. એનઆઇએ હવે એ વાતની તપાસ કરી રહી છે કે મહિલાએ ઘરેણા વેચીને મળેલી રકમ કેવી રીતે આતંકીઓ સુધી પહોંચાડી હતી. તેના દીકરાની આ આખા પ્રકરણમાં શું ભૂમિકા હતી. આવા ઘણા અન્ય એંગલ્સ પર ઊંડાણથી તપાસ કરવામાં આવી રહી છે.

રૂમમાંથી બહાર બહુ ઓછું નીકળતા હતા મા-દીકરો

મહિલા અને તેનો દીકરો પોતાના રૂમમાં જ મોટાભાગનો સમય વીતાવતા હતા અને કેટલાક મહિનાઓથી પરિવારથી પણ અતડા રહેતા હતા. પરિવારના એક સભ્યએ જણાવ્યું કે મહિલા સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહેતી હતી. પોલીસના ઘરે પહોંચ્યા પછી હવે આખો પરિવાર સ્તબ્ધ છે. મહિલાના જેઠ અને દિયરનો પરિવાર પણ આ જ ઘરમાં રહે છે. એક સભ્યનું કહેવું છે કે મહિલાના પતિને આ બાબતે કોઈ જાણ ન હતી. પરિવારને મહિલાએ ઘરેણા વેચ્યા હોવાની જાણ સુદ્ધાં ન હતી પરંતુ આ વાત તેનો મોટો દીકરો જાણતો હતો.

મહિલાએ મદરેસામાં કરાવ્યું હતું દીકરાનું એડમિશન

મહિલાએ જ પોતાના દીકરાનું નામ મદરેસામાં લખાવડાવ્યું હતું. પરિવારના એક સભ્યએ જણાવ્યું કે તે ઇચ્છતી હતી કે તેનો દીકરો દીની તાલીમ હાંસલ કરે. તે કેટલાક દિવસ પિતાની દુકાને પણ ગયો હતો પરંતુ ત્યાં તેનું મન ન લાગ્યું.

lucknow anti-terrorism squad national news