રાજસ્થાનમાં છેલ્લા બે દિવસમાં ૯ બાળકોનાં મૃત્યુ : કુલ આંકડો ૧૦૦ને પાર

03 January, 2020 03:45 PM IST  |  Mumbai Desk

રાજસ્થાનમાં છેલ્લા બે દિવસમાં ૯ બાળકોનાં મૃત્યુ : કુલ આંકડો ૧૦૦ને પાર

ડૉક્ટર ક્યારે આવશે? : રાજસ્થાનના કોટા જિલ્લાની જે. કે. લોન હૉસ્પિટલમાં ગઈ કાલે ડૉક્ટરની રાહ જોતી મહિલાના ચહેરા પર ચિંતા છલકાતી હતી. કોટાની એ સરકારી હૉસ્પિટલમાં ડિસેમ્બર મહિનાના ગાળામાં ૧૦૦ જેટલાં બાળકોનાં મૃત્યુ થયાં હતાં. (તસવીર ઃ પી.ટી.આઇ.)

ડિસેમ્બરના છેલ્લા બે દિવસમાં જેકે લોન હૉસ્પિટલમાં વધુ ૯ બાળકોનાં મોત થયાં છે. આ સાથે જ ડિસેમ્બરમાં હૉસ્પિટલમાં મૃત્યુ પામનારાં બાળકોની સંખ્યા ૧૦૦ પર પહોંચી ગઈ છે. ૨૧થી ૩૧ ડિસેમ્બર દરમિયાન જેકે લોન હૉસ્પિટલમાં ૪૨ બાળકોનાં મોત થયાં હતાં. ૨૦૧૯ની વાત કરીએ તો આ આંકડો ૯૬૩ થઈ ગયો છે. જોકે એમ છતાં છેલ્લાં ૬ વર્ષમાં એ સૌથી ઓછો છે.

જેકે લોન હૉસ્પિટલમાં ડિસેમ્બર મહિનામાં છેલ્લા બે દિવસમાં ૧૦ બાળકોનાં મોત થતાં મામલો દેશભરમાં ગરમાયો હતો. કેન્દ્ર સરકારથી લઈને રાજ્ય સરકાર સુધીની તપાસ કમિટીઓ ઘટનાની તપાસ કરી રહી છે. આ કમિટીઓએ બાળકોનાં મૃત્યુને સ્વાભાવિક નથી ગણાવ્યાં. જોકે ડૉક્ટર્સની બેદરકારી હોવાની વાત પણ નકારી કાઢી છે.
ડિસેમ્બર મહિનાની વાત કરવામાં આવે તો ૨૦૧૯ના છેલ્લા મહિનામાં જેકે લોન હૉસ્પિટલમાં ૧૦૦ બાળકોનાં મોત થયાં હતાં. ૨૧થી ૩૧ ડિસેમ્બર વચ્ચે ૪૨ બાળકોનાં મોત થયાં હતાં. ૨૦૧૯ના વર્ષ દરમિયાન આ આંકડો ૯૬૩ નોંધાયો હતો. તેમ છતાં ગયાં છ વર્ષમાં આ આંકડો સૌથી ઓછો રહ્યો હતો. ૨૦૧૯માં મહિના પ્રમાણે જોઈએ તો જાન્યુઆરીમાં ૭૨, ફેબ્રુઆરીમાં ૬૧, માર્ચમાં ૬૩, એપ્રિલમાં ૭૭, મે મહિનામાં ૮૦, જૂનમાં ૬૫, જુલાઈમાં ૭૬, ઑગસ્ટમાં ૮૭, સપ્ટેમ્બરમાં ૯૦, ઑક્ટોબરમાં ૯૧, નવેમ્બરમાં ૧૦૧ અને ડિસેમ્બરમાં ૧૦૦ નવજાત બાળકોનાં મોત થયાં હતાં.
સીએમ અશોક ગેહલોતે પોતાના અધિકારીક ટ્વિટર અકાઉન્ટથી પ્રતિક્રિયા આપતાં કહ્યું કે જેકે હૉસ્પિટલ, કોટામાં થયેલા બીમાર બાળકોનાં મૃત્યુ મામલે સંવેદનશીલ છે. આ મુદ્દે કોઈ રાજનીતિ ન થવી જોઈએ. કોટાની આ હૉસ્પિટલમાં બાળકોનો મૃત્યુદર સતત ઓછો થઈ રહ્યો છે. અમે આગળ જતાં આને હજી ઓછો કરવાનો પ્રયત્ન કરીશું.
ગેહલોતે પોતાના એક ટ્વીટમાં કહ્યું કે માં અને બાળક સ્વસ્થ રહે એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. રાજસ્થાનમાં સૌથી પહેલાં બાળકો માટેના આઇસીયુની સ્થાપના અમારી સરકારે ૨૦૦૩માં કરી હતી. કોટામાં પણ બાળકોના આઇસીયુની સ્થાપના અમે ૨૦૧૧માં કરી હતી. સ્વાસ્થ્ય સેવાઓમાં વધારે સુધારો કરવા માટે ભારત સરકારે વિશેષજ્ઞ દળનું પણ સ્વાગત છે. અમે તેમની સાથે વિચાર-વિમર્શ કરીને તેમના સહયોગથી રાજ્યમાં ચિકિત્સા સેવાઓમાં સુધાર માટે તૈયાર છીએ. નિરોગી રાજસ્થાન અમારી પ્રાથમિકતા છે. મીડિયા કોઈ પણ દબાણમાં આવ્યા વગર તથ્ય લોકો સમક્ષ રજૂ કરે.

બાળકોનાં મોતને મામલે સોનિયા ગાંધી ગેહલોતથી નારાજ
રાજસ્થાનના કોટાની જેકે લોન હૉસ્પિટલમાં બાળકોનાં મોત પર રાજકારણ શરૂ થયા બાદ કૉન્ગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ પણ અશોક ગેહલોત સરકાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. સોનિયા ગાંધીએ રાજસ્થાનના પ્રભારી અવિનાશ પાંડે સાથે આ મુદ્દે મુલાકાત કરી છે.

પ્રિયંકા કૉન્ગ્રેસ શાસનવાળા રાજસ્થાનની ઘટનાઓ સંદર્ભે ચૂપ કેમ છે? : માયાવતી
બસપાનાં પ્રમુખ માયાવતીએ કૉન્ગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી પર શાબ્દિક હુમલો
કરતાં કહ્યું કે ઉત્તર પ્રદેશમાં આંટા મારવાને બદલે પ્રિયંકા ગાંધીએ રાજસ્થાનના કોટા શહેરમાં મરણ પામેલાં બાળકોનાં માતાપિતાને મળવાની જરૂર હતી.
રાજસ્થાનમાં કૉન્ગ્રેસની સરકાર છે અને કોટાની હૉસ્પિટલમાં તાજેતરમાં સંખ્યાબંધ બાળકો મરણ પામ્યાં હતાં. એ સંદર્ભમાં માયાવતી બોલી રહ્યાં હતાં. માયાવતીએ ટ્વીટર પર લખ્યું હતું કે કોટામાં ૧૦૦ બાળકોનાં મરણ થયાં છે. એ બાળકોની માતાઓને મળીને આશ્વાસન આપવાને બદલે પ્રિયંકા ઉત્તર પ્રદેશમાં આંટા મારે એ તેમનો રાજકીય સ્વાર્થ અને નાટકબાજી દેખાડે છે.
માયાવતીએ આક્ષેપ કર્યો હતો કે ૧૦૦ જેટલાં બાળકો મૃત્યુ પામ્યાં હોવા છતાં રાજસ્થાનની કૉન્ગ્રેસ સરકાર કે મુખ્ય પ્રધાન ગેહલોત આ મુદ્દે ઉદાસીન અને લાપરવા રહ્યાં છે. પ્રિયંકા ગાંધીએ કોટા જવાની અને મરણ પામેલાં બાળકોની માતાઓને ધીરજ બંધાવવાની તાતી જરૂર હતી.
ઉત્તર પ્રદેશની બાબતોમાં બોલી રહેલાં પ્રિયંકા કૉન્ગ્રેસ શાસનવાળા રાજસ્થાનની ઘટના વિશે કેમ ચૂપ છે? એવો સવાલ માયાવતીએ કર્યો હતો. તેમણે કહ્યું કે કૉન્ગ્રેસના સ્વાર્થપ્રેરિત રાજકારણનો આ એક દુખદ નમૂનો છે. રાજસ્થાનમાં તેમના પક્ષની નેતાગીરીની બેદરકારીથી ૧૦૦ બાળકો અકાળે મરણ પામ્યાં.

rajasthan priyanka gandhi mayawati national news