23 May, 2026 09:18 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
ન્યાયાધીશોના આ અભિયાનમાં ઘણા વકીલો પણ જોડાયા હતા
શુક્રવારે લખનઉ જિલ્લાના લગભગ ૭૦ ન્યાયાધીશો કોર્ટ માટે સાઇકલ લઈને રસ્તા પર નીકળેલા જોવા મળ્યા હતા. પેટ્રોલ-ડીઝલની વધતી ડિમાન્ડ સામે પર્યાવરણ સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી આ અભિયાન હાથ ધરાયું હતું. જજ મલખાન સિંહના નેતૃત્વમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેને હાઈ કોર્ટના જસ્ટિસ રાજેશ ચૌહાણે લીલી ઝંડી આપી હતી. આ માટે બધા જજ મલખાન સિંહના આવાસ પર ભેગા થયા હતા. ત્યાંથી ૯ વાગ્યે સાઇકલો લઈને તમામ ન્યાયાધીશો કોર્ટ માટે નીકળી પડ્યા હતા. જેમને સાઇકલ ચલાવતાં નહોતી આવડતી તેઓ ઈ-રિક્ષામાં બેસીને કોર્ટમાં પહોંચ્યા હતા. ન્યાયાધીશોના આ અભિયાનમાં ઘણા વકીલો પણ જોડાયા હતા. તેઓ પણ સાઇકલ અને ઈ-રિક્ષા દ્વારા કોર્ટના પરિસરમાં પહોંચ્યા હતા.