02 May, 2026 11:29 AM IST | Bhopal | Gujarati Mid-day Correspondent
અધિકારીઓને આ મૃત્યુનું કારણ કૅનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ હોવાની આશંકા છે
મધ્ય પ્રદેશના કાન્હા ટાઇગર રિઝર્વમાં ૯ દિવસમાં વાઘણ T-141 અને એનાં ૪ બચ્ચાંનાં મૃત્યુ થયાં છે. અધિકારીઓને આ મૃત્યુનું કારણ કૅનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ હોવાની આશંકા છે. જીવ ગુમાવનારાં પ્રાણીઓને શ્વાસ લેવામાં તકલીફ હતી અને ફેફસાંમાં ચેપ લાગ્યો હતો. એમનાં લોહી અને ટિશ્યુના નમૂના ફૉરેન્સિક પરીક્ષણ માટે મોકલવામાં આવ્યાં છે. આ પહેલાં ૨૦૧૮માં ગુજરાતના ગીર સિંહ અભયારણ્યમાં બે અઠવાડિયાંમાં લગભગ ૨૮ સિંહોનાં કૅનાઇન ડિસ્ટેમ્પર વાઇરસથી મૃત્યુ થયાં હતાં.
કાન્હા ટાઇગર રિઝર્વમાં બુધવારે ૮ વર્ષની વાઘણ અને એનાં બચ્ચાંનાં મૃત્યુ થયાં હતાં. એના એક અઠવાડિયા પહેલાં એનાં ૩ અન્ય બચ્ચાં મૃત હાલતમાં મળી આવ્યાં હતાં. મૃતદેહોના પ્રારંભિક પોસ્ટમૉર્ટમમાં જાણવા મળ્યું હતું કે આ પ્રાણીઓ ફેફસાંના ચેપથી પીડાતાં હતાં. પાંચેય વાઘ એક અઠવાડિયામાં મૃત્યુ પામ્યા હતા અને એ બધા ખૂબ જ નબળા હતા. આ કોઈ સામાન્ય ફેફસાંનો ચેપ નથી. કૅનાઇન ડિસ્ટેમ્પર વાઇરસથી પ્રાણી બધી રોગપ્રતિકારક શક્તિ ગુમાવી દે છે.
કૅનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ એક ચેપી રોગ છે જે મુખ્યત્વે કૂતરાઓને લક્ષ્ય બનાવે છે. એ એમના શ્વસન, જઠર અને નર્વસ સિસ્ટમ પર હુમલો કરે છે. કૂતરાઓ દ્વારા આ રોગ ઘણી વાર વાઘ સહિત અન્ય જંગલી પ્રાણીઓમાં ફેલાય છે. એક વાર ચેપ લાગ્યા પછી પ્રાણીની રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવી શકે છે અને આખરે એને મારી નાખે છે. નૅશનલ ટાઇગર કન્ઝર્વેશન ઑથોરિટી (NTCA)એ જણાવ્યું હતું કે આ વાઇરસ રખડતા કૂતરા, બિલાડી અથવા ઢોરના સંપર્ક દ્વારા ફેલાય છે. NTCAએ આદેશ આપ્યો હતો કે વાઘ અભયારણ્યની પાંચ કિલોમીટર ત્રિજ્યામાં કોઈ પણ રખડતાં પ્રાણીઓને કૅનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ સામે રસી આપવી આવશ્યક છે.