27 December, 2023 09:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હાફિઝ સઈદ
ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં આતંકવાદીઓને પૉલિટિશ્યન્સનો પૂરેપૂરો સપોર્ટ મળતો હોવાનું તો જગજાહેર છે, પરંતુ હવે આતંકવાદીઓ જ સીધેસીધા પૉલિટિક્સમાં ઊતર્યા છે. મુંબઈમાં આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદના રાજકીય સંગઠન પાકિસ્તાન મરકાઝી મુસ્લિમ લીગ (પીએમએમએલ)એ આગામી સામાન્ય ચૂંટણીમાં ભાગ લેવાની જાહેરાત કરી છે. આ સંગઠન સમગ્ર પાકિસ્તાનમાં નૅશનલ ઍસેમ્બલી અને પ્રાંતોની વિધાનસભાની ચૂંટણીમાં દરેક બેઠક પર પોતાના ઉમેદવારો ઊભા રાખશે. પાકિસ્તાનમાં આવતા વર્ષે આઠમી ફેબ્રુઆરીએ ચૂંટણીઓ યોજાશે.
હાફિઝ સઈદનો દીકરો તલ્હા સઈદ લાહોરમાં નૅશનલ ઍસેમ્બલીની બેઠક એનએ-૧૨૭ પરથી ચૂંટણી લડશે. એનએ-૧૩૦ બેઠક પર પીએમએમએલના કેન્દ્રીય અધ્યક્ષ ખાલિદ મસૂદ સિંધુ ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને પડકારી રહ્યા છે.
હાફિઝ સઈદ જુલાઈ ૨૦૧૯થી કેદમાં છે, પરંતુ એનું વર્ચસ અકબંધ જ છે. ચૂંટણીમાં પીએમએમએલની સક્રિય ભાગીદારી એનો વધુ એક પુરાવો છે. આ પાર્ટીનું ચૂંટણી પ્રતીક ખુરશી છે.
એપ્રિલ ૨૦૨૨માં હાફિઝ સઈદને આતંકવાદ માટે ભંડોળ પૂરું પાડવા બદલ ૩૩ વર્ષ જેલની સજા કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર અને યુરોપિયન યુનિયને તેને આતંકવાદી જાહેર કર્યો છે.
પીએમએમએલના પ્રવક્તા તબિશ કય્યુમે કહ્યું હતું કે અમારી પાર્ટીએ સમગ્ર દેશમાં નૅશનલ ઍસેમ્બલી અને તમામ પ્રાંતની બેઠકો પર ઉમેદવારોને ઊભા રાખ્યા છે.
પીએમએમએલ આ પહેલાં મિલી મુસ્લિમ લીગ તરીકે ઓળખાતું હતું, જે ૨૦૧૮ની સામાન્ય ચૂંટણીઓમાં પ્રતિબંધિત જમાત-ઉદ-દાવાનો પૉલિટિકલ ચહેરો હતું. જોકે ચૂંટણીમાં એ નોંધપાત્ર પર્ફોર્મ કરી શકી નહોતી. મિલી લીગ પર સરકારે પ્રતિબંધ મૂક્યા બાદ આ પાર્ટી રચવામાં આવી હતી.
નોંધપાત્ર છે કે પાકિસ્તાનમાં આઠ મુખ્ય પૉલિટિકલ પાર્ટીઓએ ફેબ્રુઆરીમાં સામાન્ય ચૂંટણીઓ માટે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં લઘુમતીઓ માટે અનામત ચાર બેઠકો માટે ચૂંટણીપંચને હિન્દુઓ અને સિખ ઉમેદવારો સહિત ૨૯ નામ સબમિટ કર્યાં છે.