ડૉક્યુમેન્ટરીના સ્ક્રીનિંગ માટે એકત્ર ૨૪ સ્ટુડન્ટ્સની અટકાયત, આઝાદી અને જય શ્રીરામના નારા બોલાયા

28 January, 2023 10:16 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બીબીસીની આ વિવાદાસ્પદ ડૉક્યુમેન્ટરીના સ્ક્રીનિંગ માટે ગઈ કાલે દિલ્હી યુનિવર્સિટીના નૉર્થ કૅમ્પસ ખાતે મોટી સંખ્યામાં સ્ટુડન્ટ્સ એકત્ર થયા હતા.

દિલ્હી પોલીસે દિલ્હી યુનિવર્સિટીના કૅમ્પસ ખાતેથી ૨૪ સ્ટુડન્ટ્સની અટકાયત કરી હતી.

બીબીસીની આ વિવાદાસ્પદ ડૉક્યુમેન્ટરીના સ્ક્રીનિંગ માટે ગઈ કાલે દિલ્હી યુનિવર્સિટીના નૉર્થ કૅમ્પસ ખાતે મોટી સંખ્યામાં સ્ટુડન્ટ્સ એકત્ર થયા હતા. પોલીસે ૨૪ સ્ટુડન્ટ્સની અટકાયત કરી હતી. આ ડૉક્યુમેન્ટરીના સ્ક્રીનિંગ બાબતે આ જ પ્રકારે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી અને જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી ખાતે ભારે હંગામો મચ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. સ્ટુડન્ટ્સનાં સંગઠનોએ આ ડૉક્યુમેન્ટરીના સ્ક્રીનિંગની જાહેરાત કરતાં નૉર્થ કૅમ્પસ ખાતે મોટી સંખ્યામાં પોલીસને તહેનાત કરવામાં આવી હતી. આ પહેલાં કૉન્ગ્રેસની સાથે જોડાયેલા નૅશનલ સ્ટુડન્ટ્સ યુનિયને નૉર્થ કૅમ્પસમાં બપોરે ચાર વાગ્યે, જ્યારે ભીમ આર્મી સ્ટુડન્ટ્સ ફેડરેશને યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીની બહાર સાંજે પાંચ વાગ્યે સ્ક્રીનિંગની જાહેરાત કરી હતી. સ્ટુડન્ટ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયાના ઍક્ટિવિસ્ટ્સને આ ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ કરતાં રોકવા માટે દિલ્હી પોલીસ આંબેડકર યુનિવર્સિટીના કૅમ્પસમાં પ્રવેશી હતી. 
નોંધપાત્ર છે કે દિલ્હી યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સે વીજકાપ દરમ્યાન ફોન્સમાં જ પીએમ મોદી પરની બીબીસીની ડૉક્યુમેન્ટરી જોતી વખતે ‘આઝાદી’નો સૂત્રોચ્ચાર કર્યો હતો, બીજી તરફ કેટલાક સ્ટુડન્ટ્સે ‘જય શ્રીરામ’ના નારા પણ લગાવ્યા હતા. દિલ્હી યુનિવર્સિટીની આંબેડકર કૉલેજમાં વીજકાપ બાદ એસએફઆઇ સહિતના સ્ટુડન્ટ્સનાં સંગઠનોએ બીજી કેટલીક પદ્ધતિ દ્વારા બીબીસીની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ કર્યું હતું. મોબાઇલ ફોન્સમાં સ્ક્રી​નિંગ માટે સ્ટુડન્ટ્સને ક્યુઆર કોડ્ઝ આપવામાં આવ્યા હતા. 

national news jawaharlal nehru university