સરકારે ગુટકાની જાહેરાત બદલ શાહરુખ, અક્ષય અને અજયને નોટિસ ફટકારી

11 December, 2023 08:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેન્દ્ર સરકારના વકીલે હાઈ કોર્ટને શુક્રવારે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આ જ મામલે સુનાવણી કરવામાં આવી રહી છે એટલે આવી ઇન્સ્ટન્ટ અરજીને ફગાવી દેવી જોઈએ.

શાહ રૂખ ખાન

નવી દિલ્હી : ગુટકા કંપનીઓ માટે જાહેરાત કરવા બદલ કેન્દ્ર સરકારે ઍક્ટર્સ શાહરુખ ખાન, અક્ષય કુમાર અને અજય દેવગનને નોટિસ ફટકારી છે. કેન્દ્ર સરકારે એક અરજીના જવાબમાં અલાહાબાદ હાઈ કોર્ટની લખનઉ બેન્ચને આ જાણકારી આપી હતી. કેન્દ્ર સરકારના વકીલે હાઈ કોર્ટને શુક્રવારે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આ જ મામલે સુનાવણી કરવામાં આવી રહી છે એટલે આવી ઇન્સ્ટન્ટ અરજીને ફગાવી દેવી જોઈએ. આ રજૂઆત બાદ બેન્ચે આવતા વર્ષે નવમી મેએ વધુ સુનાવણી હાથ ધરવાનો નિર્ણય કર્યો હતો. 

જસ્ટિસ રાજેશ સિંહ ચૌહાણની બેન્ચે આ પહેલાં આ અરજી કરનારની રજૂઆત વિશે નિર્ણય કરવા માટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો. આ અરજીમાં જણાવાયું હતું કે એવા ઍક્ટર્સ અને હસ્તીઓની વિરુદ્ધ પગલાં લેવા જોઈએ કે જેમને હાઈ પ્રોફાઇલ અવૉર્ડ્સ આપવામાં આવ્યા છે, પરંતુ તેઓ ગુટકા કંપનીઓ માટે જાહેરાત કરે છે. આ અરજી કરનારે દલીલ કરી હતી કે કેન્દ્ર સરકાર સમક્ષ બાવીસમી ઑક્ટોબરે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આ મામલે કોઈ ઍક્શન લેવામાં આવી નથી. આ અરજી પર સુનાવણી કરતી વખતે હાઈ કોર્ટે કેન્દ્ર સરકારના કૅબિનેટ સેક્રેટરીને નોટિસ આપી હતી. શુક્રવારે ડેપ્યુટી સૉલિસિટર જનરલ એસબી પાંડેએ હાઈ કોર્ટને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે અક્ષય કુમાર, શાહરુખ અને અજય દેવગનને શો-કૉઝ નોટિસ ઇશ્યુ કરી છે.

ajay devgn akshay kumar national news