28 May, 2026 09:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગરમીનો પારો હજી યથાવત્ છે ત્યારે હજી સાત-આઠ દિવસ સુધી મુંબઈમાં વરસાદ નહીં જ પડે એવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. મુંબઈ, થાણે, પાલઘર અને રાયગડ સહિત મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં ગરમીનો પારો યથાવત્ છે. વર્ધામાં સતત ૪ દિવસથી તાપમાન ૪૬ ડિગ્રીથી વધારે નોંધાયું છે ત્યારે ૩૧ મે સુધી પ્રી-મૉન્સૂન વરસાદ થવાની કોઈ શક્યતા ન હોવાનું હવામાન ખાતાનું કહેવું છે.
આ પહેલાં કેરલમમાં ૨૬ મેએ ચોમાસું બેસે એવી શક્યતા હતી, પરંતુ હજી સુધી એવાં કોઈ એંધાણ દેખાતાં ન હોવાથી મુંબઈગરાઓએ વરસાદ માટે વધુ રાહ જોવી પડશે. જોકે મુંબઈની હવામાં ભેજનું પ્રમાણ છેલ્લા અઠવાડિયાથી સતત વધારે રહ્યું છે એટલે દિવસે અને રાતે પણ બફારો અને અસહ્ય ગરમી અનુભવાય છે. બુધવારે હવામાન ખાતાએ મુંબઈ, પાલઘર, રાયગડ અને થાણેમાં હીટવેવની પરિસ્થિતિ હજી કાયમ રહેશે એમ કહીને યલો અલર્ટ જાહેર કરી હતી.